આજે આઈસ્ક્રીમના સ્ટોલની ત્રીજી વખત હરરાજી બોલાઈ
રાજકોટમાં જન્માષ્ટમીના વાયબ્રન્ટ લોકમેળામાં નાની અને મધ્યમ ચકરડી તેમજ રમકડાના સ્ટોલ ફાળવી દેવામાં આવ્યા છે. પણ આઈસ્ક્રીમના સ્ટોલની હરરાજી થઈ શકી નથી. અગાઉ બે વખતની હરરાજીમાં પુરતા ભાવ ન આવતા હરરાજીને મોકુફ રાખવામાં આવી હતી.
ગયા વર્ષે ૨.૭૫ લાખથી વધુમાં ગયેલા પ્લોટ માટે ચાલુ વર્ષે ૨ લાખથી વધુની બોલી ન થતા આજે ત્રીજી વખત હરરાજી કરવામાં આવી હતી. જેમાં આઈસ્ક્રીમના સ્ટોલ માટે ફોર્મ ભરનારા તમામ વેપારીઓ હાજર રહ્યાં હતા. બીજી તરફ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓ શ‚ થઈ છે. ચકરડીઓ અને સ્ટોલની ગોઠવણી માટેનો સામાન મેદાનમાં આવવા લાગ્યો છે અને તમામ સ્ટોલ અને પ્લોટ ધારકો દ્વારા વાયબ્રન્ટ લોકમેળાની તૈયારીનો અંતે પ્રારંભ થયો છે. ચાલુ વર્ષે વરસાદ પણ સારો રહ્યો હોવાની લોકમેળો તમામ સ્ટોલ અને પ્લોટ ધારકોને ફળે તેવી આશા જોવામાં આવી રહી છે. તો બીજી તરફ તંત્રને પણ લોકમેળાથી ચાલુ વર્ષે ઐતિહાસીક આવક થતાં આનંદ ફેલાયો છે.