ગ્રીન એનર્જીની પહેલના ભાગરૂપે રાજકોટ-જૂનાગઢ રૂટ પર પ્રથમ વાર પ્રદૂષણમુક્ત પાંચ ઇલેક્ટ્રિક બસ દોડશે
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લીલી ઝંડી આપી પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ રાજકોટ બસ પોર્ટ ખાતે કરવામાં આવ્યુ હતું. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ પાંચ ઇલેક્ટ્રિક બસના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ બસ પોર્ટમાં આવેલા ખાણીપીણીના સ્ટોલની મુલાકાત લીધી હતી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસપોર્ટ ખાતેના ટી સ્ટોલ ખાતે ચાની લિજ્જત માણી હતી.
તેમજ સુશોભિત કરાયેલ બસમાં પેસેન્જર્સ સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ અને ડો. દર્શીતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિતભાઈ અરોરા ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહમંત્રીએ લોકલ બસમાંથી કચરો સાફ કર્યો, ચાની ચુસ્કી લીધી
ગુજરાત રાજ્યકક્ષાના વાહનવ્યવહાર વિભાગનો હવાલો સંભાળ્યા બાદ હર્ષ સંઘવી એક્શન મોડમાં છે. ગઈ કાલે તેમણે નરોડા એસ.ટી. વર્કશોપની મુલાકાત લઈ, અહીં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. જયારે આજે તેઓ રાજકોટની મુલાકાતે પધાર્યા હતા. રાજકોટથી જુનાગઢ વચ્ચે ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવા આવેલ ગૃહમંત્રીએ આ દરમિયાન રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી, બસ ચેકિંગ દરમિયાન તેઓ લોકલ બસ માંથી કચરો કર્યો સાફ કરતા જોવા મળ્યા હતા અને ત્યાં જ ચાની ચૂસ્કી લેતા જોવા મળ્યા હતા
એર ક્ધડીશનર સાથે સુસજ્જ રાજકોટ-જૂનાગઢ બસનું ભાડું રૂ.150: જે.બી.કલોત્રા
રાજકોટ વિભાગીય નિયામક જે. બી. કલોત્રાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રિક બસો કાર્યરત કરવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે રાજકોટથી જૂનાગઢ રૂટમાં પ્રથમ વાર પ્રદૂષણમુક્ત પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરાયું છે. જેનું ભાડું 150 રૂ. છે.
આ તમામ ઇલેક્ટ્રિક બસોમાં 33 મુસાફર સીટો ઉપલબ્ધ છે અને એર કંડીશનર સાથે સુસજ્જ છે. દરેક પેસેન્જર સીટની બાજુમાં ચાર્જિંગ પોઈન્ટ અને દરેક સીટની વિન્ડોના પીલર પર ઇમરજન્સી સ્વીચ આપેલ છે.