શનિવારે નાગ પાંચમ, રવિવારે રાંધણ છઠ્ઠ,  સોમવારે સાતમ અને મંગળવારે જન્માષ્ટમી, સરકારી કચેરીઓમાં મીની વેકેશન: લોકો તહેવારોના મુડમાં: બજારોમાં રોનક

ઓણ સાલ મેઘરાજાએ અનરાધાર મહેર કરતા જળાશયોમાં પાણી હિલોળા લઇ રહ્યા છે. ખેતરોમાં પણ તંદુરસ્ત પાકો લહેરાય રહ્યા છે. લોકો મંદી અને મોંધવારીના મારને એકબાજુ મૂકી તહેવારોની ઉજવણીના મૂડમાં આવી ગયા છે. બજારોમાં રોનક દેખાય રહી છે. આવતીકાલે શુકવારે બોળચોથથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોની મોસમ શરુ થઇ જશે તહેવારોમાં ત્યાં ફરવા જવું તેનો પ્લાન લોકોએ અત્યારથી જ બનાવી લીધો છે. બીજી તરફ આગામી એકાદ સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના પણ નહિવત હોય લોકો તહેવારોની મન મૂકીને મોજ માણી શકે તેવા ઉજળા સંજોગો છે.

આવતી કાલે શ્રાવણ વદ ૪ એટલે કે બોળ ચોથ છે. સૌરાષ્ટ્રમાં બોળચોથથી સાતમ આઠમના તહેવારો શરુ થઇ જાય છે. કાલે મહિલાઓ મોત બાફેલા મગનું શાક અને બાજરાનો રોટલો ખાય દિવસ પસાર કરશે અને ગાય માતાનું પુજન કરશે. શનિવારના રોજ નાગ પાંચમ છે આ પવિત્ર દિવસે મહિલાઓ દ્વારા નાગ દેવતાનું પુજન કરવામાં આવશે શનિવારે વાસંગી મંદીરોમાં ભાવિકોની ભીડ જોવા મળશે. રવિવારે રાંધણ છઠ્ઠ છે આ દિવસે મહીલાઓ તાવડા માંડી સાતમ-આઠમના ફરસાણો બનાવશે. જો કે જુની લોક વાયકા મુજબ રવિવારે તાવડો માંડી શકાતો ન હોય મહિલાઓ શનિવારે પણ ખાણી પીણીની વસ્તુઓ બનાવી લેશે. સોમવારે શિતળા સાતમનો તહેવાર છે આ દિવસે મહિલાઓ ઘરના ચૂલા સળગાવતી નથી અને પરિવારના તમામ સભ્યો ઠંડી રસોઇ એટલે કે આગલા દિવસે બનાવેલી રસોઇ ખાય દિવસ પસાર કરે છે. પોતાના બાળકોની તંદુરસ્તી માટે મહીલાઓ શિતળા માતાની પુજા અર્ચના કરશે.

મંગળવારે જન્માષ્ટમી અને સ્વાતંત્ર્ય પર્વ એમ બન્ને એક સાથે હોય એક તરફ લોકો કૃષ્ણ ભકિતમાં લીન થશે તો બીજી તરફ દેશભકિતનો પણ રંગ ઘુંટાશે દ્વારકા સહીત સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં માંડી નાના ગામડા સુધી કૃષ્ણ જન્મોત્સવની  ઉજવણી કરવામાં આવશે. ગામે ગામ શોભાયાત્રા મટકી ફોડ અને કૃષ્ણ જન્મોત્સવ જેવા કાર્યક્રમો ઉજવાશે.

લોકો તહેવારોના મૂડમાં આવી ગયા છે. સારા વરસાદ બાદ વર્ષ સારુ રહેવાના ઉજળા સંજોગોના કારણે બજારોમાં પણ રોનક દેખાય રહી છે. સાતમ-આઠમની ખરીદી માટે લોકો ઉમટી પડયા છે. નવા વસ્ત્રો, આભુષણો કે ખાણી પીણીની બજારમાં છેલ્લા ચારેક દિવસથી સા‚ એવું ટ્રાફીક જોવા મળી રહ્યું છે. શનિવારથી સરકારી કચેરીઓમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળશે. સોમવારે એક દિવસની રજા રાખનારને સળંગ ચાર દિવસની રજા મળશે. રાંધણ છઠ્ઠથી રાજકોટ સહીતના ગામોમાં લોકમેળાનો આરંભ થઇ જશે. હવામાન વિભાગના સુત્રોના જણાવાનુસાર આગામી એકાદ સપ્તાહ સુધી સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં ભારે વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. સારા વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા હવે લોકો મનભરી સાતમ-આઠમના તહેવારોની મોજ માણી શકશે. આવતીકાલથી રાજયમાં તહેવારોની મોસમ શરુ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.