ગ્રામ્ય વિસ્તારોના લોકોને એકાઉન્ટ ખોલવા, પાસબુક પ્રિન્ટ કરવા, વિવિધ બેંક યોજનાઓમાં રોકાણ અને લોન અંગેની સેવા ઘરઆંગણે જ મળી રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 જિલ્લાઓને 75 ડિજિટલ બેન્કિંગ યુનિટની ભેટ આપી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવેલા આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ પણ હાજર હતા.
75 જિલ્લામાં ડિજિટલ બેન્કિંગ યુનિટ્સનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ કહ્યું કે ડિજિટાઈઝેશનની દિશામાં આ બીજી સફળતા છે. આ ડિજિટલ બેન્કિંગ એકમો માત્ર બેન્કિંગ સેવાઓને જ સશક્ત બનાવશે નહીં, પરંતુ દેશ માટે એક મજબૂત ડિજિટલ બેન્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે આ એકમો બેંકિંગ અને નાણાકીય વ્યવસ્થાપનને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પારદર્શિતાને પ્રોત્સાહન આપશે.
વડાપ્રધાને કહ્યું કે અમે બેંકિંગ સેવાઓને દૂર-દૂરના, ઘર-ઘર સુધી પહોંચાડવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને તેના કારણે આજે ભારતના 99 ટકાથી વધુ ગામડાઓમાં 5 કિલોમીટરની અંદર બેંકો છે.
ડિજિટલ બેન્કિંગ એકમોની શુ કામગીરી રહેશે?
આ ડિજિટલ બેંકિંગ એકમો દ્વારા, ગ્રાહકો બચત ખાતા ખોલવા, તેમના ખાતામાં બેલેન્સ શોધવા, પાસબુક પ્રિન્ટ કરવા, નાણાં મોકલવા, ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવા સિવાય ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને લોન માટે સરળતાથી અરજી કરી શકશે. આ એકમો ગ્રાહકોને સાયબર સુરક્ષા અંગે જાગૃત કરવા માટે પણ કામ કરશે.