અભિયાનના ઇન્ચાર્જ તરીકે મનસુખભાઇ રામાણી, સહ-ઇન્ચાર્જ તરીકે વિજયભાઇ કોરાટ અને ભાસ્કરભાઇ જસાણીની વરણી
રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ પરામર્શ કરીને ભારતીય જનતા પાર્ટી રાજકોટ જીલ્લાના ભૂમિ સુપોષણ અભિયાનના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જની વરણી કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ જીલ્લાના ઇન્ચાર્જ તરીકે મનસુખભાઈ રામાણી તથા સહ-ઇન્ચાર્જ તરીકે વિજયભાઈ કોરાટ અને ભાસ્કરભાઈ જશાણીની વરણી કરવામાં આવેલ છે સમગ્ર દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જે પોતાની ધરતીને મા કહે છે. માતા ભૂમિ: પુત્રો અહમ પૃથ્વીવ્યા ધરતી મારી માતા છે અને તેનો હું પુત્ર છું. પરંતુ છેલ્લા દાયકાઓમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગના અતિરેકથી આપણે ફળદ્રુપ ધરતીને વેરાન બનાવી દીધી છે અને જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા નષ્ટ થઇ છે. સાથે સાથે માનવજાતને અનેક જીવલેણ રોગોની ભેટ મળેલ છે. ધરતીના અમૃત સમાન સદીઓથી સંગ્રહાયેલા ભૂગર્ભ જળને છેલ્લા થોડા દાયકાઓમાં બેફામ બગાડ કર્યો છે જેના પરિણામે આજે ભૂગર્ભ જળ બહુ નીચા સ્તરે જતા રહ્યા છે.
જીલ્લા મહામંત્રી તથા જીલ્લા ઇન્ચાર્જ મનસુખભાઈ રામાણીએ જણાવ્યુ હતું કે, સમગ્ર જીલ્લામાં ગામડે ગામડે ખેડૂતપુત્રોને સજીવ ખેતી, જળસંચય, ગૌસંવર્ધન અને પર્યાવરણ રક્ષા જેવા ગંભીર વિષયો પર ખેડૂતોને ફરીથી સજીવ ખેતી તરફ વળવા માર્ગદર્શન તેમજ માહિતી આપવામાં આવશે તથા આ અભિયાન દરમ્યાન કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, પર્યાવરણવિદ તજજ્ઞ, ગૌશાળાઓ તથા ગૌસંવર્ધન કરતી સંસ્થાઓ, સજીવ ખેતી દ્વારા નવી દિશાઓ સફળ થયેલા ખેડૂતોને ત્યાં મુલાકાતો નિર્દેશન તથા જાણકારી આપવી આ કાર્યક્રમો અભિયાન દરમ્યાન થનાર છે. કિસાન મોરચાના પ્રમુખ તથા જીલ્લાના સહ-ઇન્ચાર્જ વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, ભૂમિ સુપોષણ અભિયાનનો મુખ્ય હેતુ ઓર્ગેનિક ખેતી ઉત્પાદનની પદ્ધતિ તથા રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગ સદંતર બંધ થાય તેવી દિશામાં પ્રયાસ કરવાનો હેતુ છે. સાથોસાથ ગૌવંશની રક્ષા થાય ગાયને આર્થિક પોષણક્ષમ બનાવવા ગોબર, ગૌમૂત્ર તથા ગાયના દૂધ ઉત્પાદનોથી વધારે આવક મેળવવા સફળ થયેલા પશુપાલકોનું માર્ગદર્શન મળી શકશે.સહ-ઇન્ચાર્જ ભાસ્કરભાઈ જસાણીએ જણાવ્યું હતું કે, આ એક મહિનાના ભૂમિ સુપોષણ અભિયાનથી ખેડૂતોમાં જાગૃતિ આવશે તથા અભિયાન પછી પણ આ દિશામાં કાર્ય શરુ રખાશે.