મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી સહિતના હાજર રહ્યાં: વરજાંગ જાળિયાના પણ કાર્યક્રમ
રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને સુપોષિત બાળક બનાવવાના મહાઅભિયાન અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ આઇસીડીએસ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લા પડધરી તાલુકાના સરપદડ ખાતે મ્યુ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતિમાં સર્વગ્રાહી પોષણ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો
કાર્યક્રમના પ્રારંભે પોષણ અદાલત નાટક દ્વારા ગ્રામજનોને યોગ્ય આહારની જરૂરિયાત અને સમજ પૂરી પાડી હતી. ત્યારબાદ વૃક્ષમાં બીજ તું નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડવામાં આવી હતી જેમાં મહિલાઓને ગર્ભાવસ્થા થી લઇ બાળકના જન્મ અને તેના ઉછેર અંગે જાગૃતિ પ્રેરક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. ધાત્રી માતાઓને જરૂરી ખોરાક, બાળકોને રસીકરણ વગેરેની માહિતી આ ફિલ્મમાં આપવામાં આવી હતી. ગર્ભાવસ્થાથી લઈ બાળક બે વર્ષનો થાય ત્યાં સુધીના ૧૦૦૦ દિવસ દરમ્યાન જે પ્રકારે સારસંભાળ રાખવામાં આવે છે તે મુજબ બાળકનું ભવિષ્ય તૈયાર થતું હોય છે.
ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરેલ ફિલ્મ બીજું પિયર ઘરનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકના ઉછેરમાં આંગણવાડી કેન્દ્રની મહત્તા સમજાવવામાં આવી હતી અને સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક એ જ આંગણવાડીને લક્ષ્ય છે તેમ સમજાવવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સૌપ્રથમવાર અન્ન ગ્રહણ કરતા બાળકોને અન્નપ્રાશન વિધિ કરાવવામાં આવી હતી. પાલક વાલી અને તંદુરસ્ત બાળકોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા તાલુકા અગ્રણીઓ, તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ, આરોગ્ય તથા સંકલીત બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને સુપોષિત બાળક બનાવવાના મહાઅભિયાન અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેમજ આઇસીડીએસ વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વરજાંગ જાળિયા ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન શ્રી પંકજભાઇ ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં સર્વગ્રાહી પોષણ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.