જુદા જુદા ભવનો, ગર્લ્સ હોસ્ટેલ ખાતે ૧૩ સેનેટરી વેન્ડિંગ મશીન, પર્યાવરણની જાગૃતિ તથા ફીટનેસ માટે ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦ લેડી સાઈકલ તેમજ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં સવારે-સાંજે પ્રાર્થના માટે આઠ (૮) મ્યુઝીક સિસ્ટમ અને સ્પીકરનું પણ લોકાર્પણ કરાશે
નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની ખાસ ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે તથા બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આવતીકાલ તા. ૨૬-૧૧-૨૦૧૯ કુમાર પ્રશાંતના વકતવ્યનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં સેનેટ હોલમાં આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ બનાવવા માટે બે (૨) પ્લાસ્ટિક ક્રશર મશીન, મહિલા કર્મચારીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે જુદા જુદા ભવનો/ગર્લ્સ હોસ્ટેલ ખાતે ૧૩ સેનેટરી વેન્ડીંગ મશીન, પર્યાવરણની જાગૃતિ તથા ફીટનેસ માટે ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦ લેડી સાઈકલ તથા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં સવારે-સાંજે પ્રાર્થના માટે આઠ (૮) મ્યુઝીક સિસ્ટમ અને સ્પીકરનું ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદહસ્તે ઉદઘાટન કરવામાં આવનાર છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેનાર છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું ભારતીય બંધારણના પુસ્તક તથા ખાદીનો રૂમાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકો, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.