બે માસ સુધી ૧પ૦ કુટુંબો છાશનો લાભ લેશે: છ હજાર જેટલા વિઘાર્થીઓને ચપ્પલનું વિતરણ કરાશે: સેવાભાવીઓ અબતકના આંગણે
જાણીતી સેવા સંસ્થા ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા દ્વારા સતત ચોથા વર્ષે ઇન્ડિયન ફોર કલેકટીવ એકશન યુએસએ અને અર્પણ ફાઉન્ડેશનના સહયોગથી શાપર વેરાવળ ખાતે આગામી તા. ૧૯-૪ થી નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરુ કરવામાં આવશે. જેમાં આ વિસ્તારનાં ૧પ૦ જેટલા કુટુંબોને ઉનાળાના આકરા તાપમાં કાળઝાળ ગરમીમાં તાજી અને પૌષ્ટિક અમૃત રુપી છાશ દરરોજ આપવામાં આવશે. આ કેન્દ્ર જોગી ફુટવેર હરગંગે વે-બ્રીજ પાસે શાપર વેરાવળ ખાતે શરુ થનાર છે.
ભારત વિકાસ પરિષદ દ્વારા છેલ્લા દસ વર્ષથી દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમી થી બચવા જરુરીયાત મંદ લોકોને ચપ્પલ વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે આ પ્રોજેકટ અંતર્ગત એક સાથે એક જ દિવસે છ હજાર જેટલા વિઘાર્થીઓને તા. ૪-૫-૧૯ ના રોજ ચપ્પલ વિતરણ કરવામાં આવનાર છે. મહાનગર સંચાલીત શાળાઓ તથા જીલ્લા પંચાયત સંચાલીત શાળાઓમાં ધો. ૧ થી ૮ સુધીના અભ્યાસ કરતા છ હજાર જેટલા વિઘાર્થીઓને પરિણામના દિવસે ભારત વિકાસ પરિષદના દાતાઓ, હોદેદારો અને સભ્યોના હસ્તે ચપ્પલ વિતરણ કરવામાં આવનાર છે. જેમાં રાજકોટની આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તાર બેડલા, બારવણ, જામગઢ, જીયાણા, ધમલપર, આણંદપર, કાઠરોટા, લોઠડા, ભાયાસર, ઢાંઢણી વગેરે ત્રીસ જેટલા ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ચપ્પલ વિતરણ કરવામાં આવનાર છે.
ઉપરોકત બન્ને સેવાકાર્યોમાં અર્પણ ફાઉન્ડેશન તેમજ ઇન્ડીયન ફોર કલેવટીવ એકશન અમેરિકા તથા ભારત વિકાસ પરિષદના સભ્યો દાતાઓનો આર્થિક સહકાર મળનાર છે.આ કાર્યક્રમને સફળ બનાવવા કીરીટસિંહ વાળા, કરશનભાઇ મેતા, કીરીટભાઇ મેયડ, જીતેન્દ્રભાઇ મહેતા, જતીનભાઇ પરમાર વગેરેનો સહકાર મળનાર છે. આ માટે જહેમત ઉઠાવી રહેલા પ્રફુલભાઇ ગોસ્વામી, વિનોદભાઇ પટેલ, જેેઠસુરભાઇ ગુજરીયા, મહેશભાઇ તોગડીયા, મહેશભાઇ પરમાર, દિપકગીરી ગોસાઇ એ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.