- ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મરણ પથારીએ પડેલા
- રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાને તર્કબધ્ધ રજૂઆત
- ટીપી શાખામાં બિન અનુભવી સ્ટાફને ટ્રેનિંગ આપવાની તાતી જરૂરિયાત: રૂડા દ્વારા મટીરીયલ ટેસ્ટીંગનો રિપોર્ટ લેવામાં આવતો નથી કોર્પોરેશને પણ આવા રિપોર્ટ લેવાનું બંધ કરવું જોઇએ
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર મરણ પથારીએ પડ્યો છે. છેલ્લા ઘણા સમયથી બાંધકામ માટે પરવાનગી આપવી અને કમ્પ્લીશન આપવા સહિતની કામગીરી ખોરંભે પડી છે. દરમિયાન આજે રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા નવ નિયુક્ત મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને તેઓ સમક્ષ ટીપી વિભાગની કામગીરીમાં પડતી મુશ્કેલીઓનો તાત્કાલીક અંત લાવવા તથા સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે.
આ રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે, રિઅલ રાજકોટ ડેવલોપર્સ એસોસિએશનના તમામ મહાપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પરવાનેદાર સભ્યો છે. વર્ષોથી બિલ્ડીંગ પ્લાન મંજુરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. સાંપ્રત સમયની ટાઉન પ્લાનિંગ વિભાગમાં વિવિધ મુશ્કેલીઓ પડી રહી છે. મુશ્કેલીઓનો હકારાત્મક ઉકેલ કાઢવા રજૂઆત કરી છે. રાજકોટ જીલ્લામાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટના લોકાર્પણ બાદ ઘણા માસથી સી.સી.ઝેડ.એમ. મેપ ડીકલેર થઇ ગયેલ હોવા છતાં આર.એલ. (રોડ લેવલ) સર્ટીફીકેટ બંને ઓથોરીટીસમાં બિનજરૂરી માંગવામાં આવે છે, રાજકોટ શહેર તથા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી હેઠળ આવતા વિસ્તારોમાં એવરેજ હાઈટ 110 મીટર મળે છે, જે અન્વયે આ પ્રકારના સર્ટીફીકેટ ફરજિયાત માંગવા એ બિનજરૂરી જણાતું હોય તેવું લાગે છે.
ક્ધસ્ટ્રકશન એન્ડ ડીમોલીશન વેસ્ટ રૂલ્સ – ર016 હેઠળની પ્રક્રિયામાં ખુબ વિલંબ થતો હોય તેમજ અનેકવિધ અગવડતા અને મુશ્કેલીઓ પડતી હોય જે નિવારવા ઉકેલ લાવવા રજૂઆત કરી છે.
પ્લોટ વેલિડેશન પ્રક્રિયાનો કોઈ જ પ્રકારનો મહાવરો કોઈ ઓથોરીટી પાસે છે જ નહી તેમજ આ પ્રક્રિયા અન્વયે સમયમાં ખાસ્સો વિલંબ થઇ રહ્યો છે જે અંગે આ પ્રક્રિયા રદ કરવા અથવા વૈકલ્પિક સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવા માંગ કરી છે.
મહાપાલિકા અને રૂડામાં વિવિધ એન.ઓ.સી. લેવા અગવડતા પડતી હોય અને ખુબ જ વિલંબ થયો હોય તેવી પ્રક્રિયા જેવી કે ફાયર એન.ઓ.સી., રેલ્વે એન.ઓ.સી., બિનખેતી હેતુફેર તથા વિવિધ એન.ઓ.સી., મેળવવાની પ્રક્રિયા અતિ જટિલ હોય સામાન્ય અરજદારને સમયમર્યાદામાં એન.ઓ.સી. મળતી ન હોય તેથી રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા જ આ એન.ઓ.સી.ની પ્રક્રિયા કરવામાં આવે.
ઈમ્પેક્ટ હેઠળ રજુ થયેલ પ્લાનમાં ફાયર એન.ઓ.સી.ની જરૂરિયાત રહેતી હોઈ જેમાં ફાયર વિભાગ પહેલા ઈમ્પેક્ટ હેઠળનો પ્લાન મંજુર થયેલો માંગતા હોય અને ટી.પી. શાખા ફાયર એન.ઓ.સી. માંગતા હોય ત્યારે આ બંને વિભાગમાં વહીવટી સંકલન કરવું અત્યંત જરૂરી છે. જેથી ઈમ્પેક્ટ હેઠળના કેસ ઇનવર્ડ થાય તથા સરકારની તિજોરીમાં માતબર આવક થાય આ બાબતે સત્વરે ઉકેલ લાવવા અમો માંગ કરીએ છીએ.
મહાપાલિકામાં નવા બિલ્ડીંગ પ્લાન મંજુરી, કમ્પ્લીશન તથા વિવિધ કામગીરીમાં હાલ જે મહેકમની નિમણુંક કરેલ છે એ સ્ટાફ વિભાગના વિવિધ કાર્યમાં અનુભવ ન હોવાથી વિવિધ કામગીરીમાં ખુબ જ વિલંબ થાય છે. ટાઉન પ્લાનિંગ વિભાગમાં નીવડેલ મહેકમની નિમણુંક કરવામાં આવે અને તેઓને સમયાંતરે ટ્રેનીંગ સેશન કરવામાં આવે તથા દર માસાંતે એન્જીનીયરો સાથે પડતી મુશ્કેલીઓ નિવારણ અન્વયે મીટીંગ કરવામાં આવે તેવી વિનંતી કરી છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં મટીરીયલ ટેસ્ટીંગ રીપોર્ટ લેવામાં આવતા નથી ત્યારે મહાપાલિકામાં મટીરીયલ ટેસ્ટીંગ રીપોર્ટ લેવાનું બંધ કરવામાં આવે.
આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી બિલ્ડીંગ પ્લાન પાસ કરવા પહેલા જે સમય નિરર્થક જતો હોય અને બિલ્ડીંગ પ્લાન પાસ થયા બાદ કમ્પ્લીશન મેળવવા સમયે યોગ્ય સમયમર્યાદામાં કામગીરી થતી નથી જે તમામ મુદ્દાઓ ધ્યાનમા રાખી પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા મ્યુનીસિપલ કમિશનર તુષાર સુમેરાને રજૂઆત કરી હતી.
આ રજુઆતમાં પ્રદીપભાઈ ત્રિવેદી, ડો. વિરલ ભટ્ટ, જેન્તીભાઈ ગોધાત, વિશાલ ટાતમિયા, ચિરાગ સવાણી, હિતેશભાઈ તાલસાનિયા, કિરીટભાઇ ઉંજીયા, અશોકસિંહ ચૌહાણ જોડાયા હતા.
સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં વિવિધ વિભાગો સાથે સંકલન માટે જરૂરી મુદ્ાઓ
- – સી. એન્ડ ડી. વેસ્ટ
- – પ્લોટ વેલિડેશન
- – રેલ્વે એનઓસી
- – ફાયર વિભાગનું એનઓસી
- – હાઈવે ઓથોરીટીનું એનઓસી
- – બિનખેતી હેતુફેર
- – ડ્રેનેજ વિભગ
- – નળ કપાત – વોટર વર્કસ વિભાગ
- – વેરાબિલમાં સુધારા
- – રૂડા ડેવલોપમેન્ટ ચાર્જ