મેરી આવાઝ હી……પહચાન હૈ…..
ગીતની રોયલ્ટી બાબતે લત્તા-રફી વચ્ચે મત ભેદ થયા હતા
લત્તાજીએ ગીત ગાવાની રોયલ્ટી મળવા બાબતે માંગણી કરતા એ જમાનામાં નિર્માતા અને ઘણા બધા લોકોનો વિરોધ ઉમટયો હતો. રાજકપૂર જેવા એ કહ્યું કે ગાયકનેવળતર આપ્યા બાદ ગીતની માલીકી ફિલ્મ નિર્માતાની ગણાય છે. મહાન ગાયક રફીએ પણ ગીત ગાવાનો ચાર્જ લઈ લીધા બાદ રોયલ્ટી ન મળવી જોઈએ તેવી વાત કરતાં લત્તા-રફી વચ્ચે પણ મત ભેદ થયા હતા. મહાન ગાયક રફીએ નિર્માતાની તરફેણમા મત રજૂ કરતા તેનો વિરોધ લત્તાજીએ કર્યો હતો. આજ કારણે બંનેના સંબંધોમાં તિરાડ પડી હતી. ગીત ગીતકાર બનાવે નેસંગીતકાર સંગીત આપે નેગાયક ગીત ગાયા બાદ તેને ફિલ્મમાં કયાં લેવું તે નિર્માતા નકકી કરતા હોવાથી ફિલ્મની તમામ વસ્તુઓની માલિકી નિર્માતાની છે તેમ એ જમાનાના નિર્માતાઓ વાત જણાવી હતી રફી હંમેશા સાચી સાઈડનો પક્ષ લેતા હોવાથી આ વાતને ટેકો આપ્યો હતો.
આજે સમગ્ર ફિલ્મ જગતમાં લત્તાજીના તબિયત અંગે વાતો થઇ રહી છે. જો કે 15 દિવસની મેડિકલ સારવાર બાદ લત્તાજી ફરી તંદુરસ્ત થઇ ગયા છે. લોકો તથા તેના ચાહકો તેના દિર્ઘાંયુ માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ભારતીય ફિલ્મ જગત, સંગીત જગત અને ગાયન ક્ષેત્રે લત્તાજીનું નામ ટોચે છે. વિશ્ર્વભરમાં તેના અવાજના જાદુ થકી હજારો ચાહકો છે. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે હાલ અત્યારે તેની તબિયત સારી થવા લાગી છે. આજે આ લેખમાં લત્તાજીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વાંચકો માટે શેર કરી છે. લત્તાજીએ ગુજરાતી ગીતો પણ ઘણા ગાયા છે જે આજે પણ લોકો યાદ કરી રહ્યા છે.
લતા મંગેશકર ભારતીય ફિલ્મ જગતના શ્રેષ્ઠ ગાયક કલાકારનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઇંદોર ખાતે થયો હતો. 1942થી તેમણે ફિલ્મોમાં ગીત ગાવાનું શરૂ કર્યુંને કર્ણપ્રિય અમર ગીતો ફિલ્મ જગતને આપ્યા. સૌથી વધુ ગીતો ગાવાનો વર્લ્ડ રેકોર્ડ પણ લતાજીના નામે છે. તેઓ ગાયક ઉપરાંત સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પણ છે. તેમના પિતા દીનાનાથ મંગેશકર અને માતા શેવંતી મંગેશકર હતા. તેમના પરિવારમાં આશા, ઉષા અને મીના ત્રણ બહેનો અને હૃદ્યનાથ મંગેશકર ભાઇ છે. ત્રણેય બહેનો ગાયન ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી હતી.
લત્તા મંગેશકરે પ્રારંભિક તાલિમ પિતા પાસેથી જ મેળવી હતી. પાંચ વર્ષની ઉંમરે મરાઠી નાટકમાં કામ કર્યું હતું. પોતાની નાનીબેન આશાને સ્કૂલમાં લાવવા ન દેતા તેણે સ્કૂલ છોડી હતી. 1942માં પિતાના અવસાન પછી તેના ઉપર કુટુંબની જવાબદારી આવી પડી હતી. પ્રારંભે માસ્ટર વિનાયકે તેમને ઘણી મદદ કરી હતી. 1942માં તેમને મરાઠી ફિલ્મમાં ગાવાનો મોકો મળ્યો પણ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે તે ગીત કાઢી નખાયું હતું. 1945માં લત્તાજી પરિવાર સાથે મુંબઇ આવી ગયા તેમને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શિક્ષા લેવાનું શરૂ કર્યું. પ્રારંભે તેને નૃત્ય શો પણ કર્યા હતા. બાદમાં 1945માં હિન્દી ફિલ્મ બડીર્માં એક ભજન ગાયુંને ફિલ્મમાં બેન આશાએ નાનકડી ભૂમિકા પણ કરી. 1948માં ‘મજબુર’ ફિલ્મથી શરૂ થયેલ સફળ ગાયનયાત્રા આજ પર્યત ચાલુ જ છે. લત્તાજી સંગીતકાર ગુલામ હૈદરને ગોડફાધર માને છે.
પ્રારંભે લત્તાજીને નુરજર્હાની ગાયિકી નકલ કહેતા પણ બાદમાં સમગ્ર ભારતને વિશ્ર્વમાં તેના અવાજના દિવાના થયા. ઉર્દુંમાં પડતી તકલીફને કારણે તેઓ તે પણ શિખ્યા. તેની પ્રમુખ હિટ ફિલ્મોમાં ફિલ્મ ‘મહલ’માં આયેગા…..આનેવાલા…….આયેગા…. 1949માં હિટ ગીત પુરવાર થયું. 1950 થી 1960 સુધીનાં દશકામાં એવરગ્રીન હિટ ફિલ્મોમાં લત્તાના ગીતો હોય જ. અનિલ વિશ્ર્વાસ (તરાના 1951) અને (હિર-1956), સાથે શંકર જયકિશન, નૌશાદ, એસ.ડી.બર્મન, હુશ્નલાલ, ભગતરામ જેવા નામી સંગીતકાર સાથે ગીતો ગાયાને ફિલ્મો હીટ બનાવી. તેમની હિટ ફિલ્મો આ ગાળામાં દિદાર, બૈજુ બાવરા, અમર, ઉડન ખટૌલા, મધર ઇન્ડિયા, બરસાત, આહ, શ્રી420, ચોરી ચોરી, હાઉસ નં.44, દેવદાસ, મધુમતી, અલબેલા, અનારકલી, આઝાદ જેવી હિટ ફિલ્મો હતી.
1950 થી 70 અને 1980 સુધી લગભગ પાંચ દાયકા સતત કાર્યરત રહ્યા હતા. 2011માં પણ જગજીત, મહેંદી હસન, ગુલામ અલી સાથે આલ્બંબ રેકોર્ડ કર્યા તો 2014માં સલિલ ચૌધરીની કવિતાનું સ્વરાંકન કરીને ગીતો ગાયા હતા. ગત્ વર્ષે ભારતીય સેના માટે “સૌગંધ મુજે હે મીટ્ટી કી” વિમોચન કરેલ હતું. લત્તાનું પહેલા નામ હેમા મંગેશકર હતું બાદમાં ફિલ્મ ગાયન ક્ષેત્રે પર્દાપણ વખતે લત્તા કરી નાખ્યું હતું. લત્તાના મામા-દાદા ગુજરાતી શેઠ હરિદાસ રામદાસ લાડ હતા. પાવાગઢમાં તેમના નાનીમા રહેતા. તેમના પરિવારમાં મીના, આશા, ઉષા અને હૃદ્યનાથ જે બધા શ્રેષ્ઠ ગાયકો અને સંગીતકારો છે. લત્તાજી આજે તો ક્વીન ઓફ મેલોડી, વોઇસ ઓફ ધ નેશન, વોઇસ ઓફ ધ મિલેનિયમ અને નાઇટીંગલ ઓફ ઇન્ડિયા જેવા સંબોધનની પદવી મળી છે.
લત્તાજીના પિતા ખૂબ જ સારા જ્યોતિષ જાણનારા હતા. તેમણે લત્તાને કહેલ કે એક દિવસ તું મહાન ગાયિકા બનીશ, બહુ જ નામના મળશે પણ હું તે જોવા નહીં હોય. તુ જીવનભર લગ્ન નહી કરે કારણ કે કુટુંબની જવાબદારી તારી ઉપર છે, જે તુ વહન કરીશ.
1970 થી 80ના દાયકામાં સંગીતકારોના પુત્ર સાથે પણ કામ કર્યું. જેમ કે રાહુલ દેવ બર્મન (પુત્ર એસ.ડી.બર્મન) રાજેશ રોશન (પુત્ર રોશન) અનુમલિક (પુત્ર સરદાર મલિક) અને આનંદ-મિલિંદ (પુત્ર ચિત્રગુપ્ત) એવી જ રીતે ગાયક કલાકારોના પુત્ર સાથે પણ કામ કર્યું, જેમ કે અમીત કુમાર (પુત્ર કિશોર કુમાર) નિતિન મુકેશ (પુત્ર મુકેશ) સાથે ગીતો ગાયા હતા. 2001માં લત્તાજીને ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન” સન્માનીત કરાયા હતા. તેમણે પાંચ ફિલ્મોમાં સંગીતકાર તરીકે કાર્ય કર્યું. જેમાં રામ રામ પહવાના (1960), મરાઠા ટીટુકા મેલવાના (1963) મોહિત્યાંચી મંજુલા (1963), સાધી માનસે (1965)ને તંબાડીમતી (1969) જે પૈકી “સાધી માનસે” ફિલ્મને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મ નિર્માણા ક્ષેત્રે બાદલ (1953), ઝાંઝર (1953), કંચનગંગા (1655)ને 1990માં ‘લેકીન’ જેવી હિન્દી ફિલ્મો બનાવી હતી.
અમર ગીતોના ગાયિકા લત્તા મંગેશકરે 30 હજારથી વધુ ગીતો ગાયને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો: વોઇસ ઓફ નેશન લત્તાજીને 1969માં પદ્મભૂષણ
લત્તાજીને 1969માં પદ્મભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નનું સર્વોચ્ચ સન્માન મળેલ હતું. લત્તા મંગેશકરે ગાયકોને રોયલ્ટી મળવી જોઇએ. તેવી પ્રબળ માંગણી કરી હતી. તેમણે મુવમેન્ટ ઉપાડી કે જ્યાં જ્યાં ગીતો વાગે ત્યાં ગાયકોને પણ રોયલ્ટી મળવી જોઇએ. રાજકપૂરે તેનો વિરોધ કર્યો કે આ અમારો વ્યવસાય છે ત્યારે લત્તાજીએ જણાવેલ કે ફિલ્મોની સફળતા પાછળ તેના સુંદર કર્ણપ્રીય ગીતોના ગાયકોનો પણ વિશેષ ફાળો હોય છે અને અંતે બધા ગાયકોને પણ રોયલ્ટી મળવા લાગી હતી.
1948માં શશીધર મુખરજી “શહિદ” ફિલ્મ બનાવતા હતા ત્યારે તેમને લત્તાનો અવાજ પાતળો છે તેમ કહીને ગીતો ગાવા માટે રીજેક્ટ કર્યા હતા. આ સમયે નારાજ થયેલા ગુલાબ હૈદરે જવાબ આપ્યો કે આગામી વર્ષોમાં નિર્માતા-નિર્દેશકો પોતાની ફિલ્મોમાં ગીતો ગાવા માટે લત્તાના પગ પકડશે અને તેમની ફિલ્મો માટે વિનંતી કરશે. જો કે ત્યારબાદના વર્ષોમાં આ વાત સાચી પડીને લત્તાદીદીનો જમાનો આવ્યો. લગભગ દરેક ફિલ્મોમાં લત્તાના ગીતો હોય જ. તેમણે રફી, તલત, મન્નાડે, મુકેશ, કિશોર, હેમંત કુમાર જેવા ખ્યાતનામ ગાયકો સાથે શ્રેષ્ઠ યુગલ ગીતો ગાયા. આજે 91માં જન્મ દિવસે સંપૂર્ણ સંગીતની આરાધનમાં લીન લત્તાજી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમને આજના જમાનાના ઘોંઘાટીયા ગીતો ગમતા નથી.
લતા મંગેશકરે હિન્દી ફિલ્મો ઉપરાંત પંજાબી, ભોજપુરી, નેપાલી, ઉર્દું, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી, ગુજરાતી જેવી દેશની લગભગ તમામ ભાષામાં ગીતો ગાયા છે. ગુજરાતી ગીતોમાં પાંદડું લીલુને રંગ રાતો, નયન ચકચુર છે, મહેંદી રંગ લાગ્યો, મહેંદી તે વાવી માલવે (ગરબો) જેવા અમર ગીતો ગાયા હતા. ગાયક મુકેશજીને તેઓ પોતાના ભાઇ માનતા હતા.
ગુજરાતી ફિલ્મો મહેંદી રંગ લાગ્યો, ઘર દીવડી, ચુંદડી-ચોખા, કસુંબીનો રંગ, સત્વાન સાવિત્રી, જનમ જનમના સાથી, કુળવધુ જેવીમાં ગુજરાતી ગીતો ગાયા હતા. લતાજી ભારતીય ફિલ્મ ઇતિહાસ છે જે ન ભૂતો ભવિષ્યતી જેવી ઘટના છે. જાણીતા સંગીતકાર મદન મોહન એમના પ્રિય સંગીતકાર હતા. તેમના ગળામાં ર્માં સરસ્વતીએ ગાંધારનો વાસ આપ્યો છે. આજે 91 વર્ષે પણ સંગીત સાધનાથી સ્વરને જાળવ્યોને જતન કર્યું છે. લતાજીના જીવનમાં એક જ ફિલ્મ સંગીતકાર ઓ.પી.નૈયર એવા હતા કે તેમણે ક્યારેય લતાજી પાસે ગીતો ન ગવડાવ્યા બાકી લગભગ બધા સંગીતકારો સાથે લત્તાજીએ ગીતો ગાયા છે.
બોલીવુડમાં સતત પાંચ દાયકા સુધી સતત કાર્યરત રહેનાર લત્તાજીએ 2011માં જગજીત મહેંદી અને ગુલામ અલી સાથે ગઝલ આલ્બંબ કર્યો અને 2014માં સલિલ ચૌધરીની કવિતાનું સ્વરાંકન કર્યું હતુ
લત્તાજીના ગુજરાતી ગીતો
– ઓઘાજી મારા વાલાને વઢી ને કહેજો….
– કોઇ ગોતી દ્યો મારો રામ……
– મેહંદી તે વાવી માલવેને એનો રંગ…..
– નયન ચકચૂર છે…..
– મને ઘેલી ઘેલી જોઇ…..
– પાંદડું લીલુંને રંગ રાતો……
– તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી…..
– હવે સખી નહી બોલું નહીં બોલું રે…..
– તારો રે ભરોસે ભવ મુક્યો મારો……
– વહેલી પરોઢનો વાયરો વાયો……
– ઘુંઘટે ઢાંકુ એક કોડીયુ…..
– મારા તે ચીતનો ચોર રે મારો ર્સાંવરીયો……
– હુ હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા…..
– દાદાને આંગણ પાંગારો…..
– ઘારી કંકુ કંકણ પાનેતર એક નારી કરે પુકાર…..
– મારા ર્સાંવરા ગીરધારી…..
– હે કુંજલડી રે……
– હે હર હર જગ જનની……
– સારા જગનું ઝેર પીને શીવ……..
1989માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ, 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં દેશનો સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એવોર્ડ અપાયો હતો