સુરતમાં સ્થાયી થયેલા રત્નકલાકારને મોત વ્હાલું કરવા મજબુર કરનાર બે શખ્સોની ધરપકડ

સુરતના કતારગામમાં એક રત્નકલાકારે આર્થિક ભીંસમાં આવીને મોતને વ્હાલું કર્યું છે. બનાવની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને એક ચિટ્ઠી પણ મળી છે, જેમાં આપઘાત કરનાર રત્નકલાકાર ૧ કરોડ રૂપિયાની છેતરપિંડી અને વ્યાજના વિષચક્રનો શિકાર બન્યો હોવાનો ઉલ્લેખ કરતા આગળળની તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની અને હાલ સુરત સ્થાયી થયેલા રત્નકલાકારે મોત વ્હાલું કરતા પરિવારમાં અરેરાટી મચી છે. હાલ સમગ્ર મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ પણ કરી લીધી છે.

સુરતમાં રત્નકલાકારે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રત્નકલાકારે વ્યાજખોર અને સોનીના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી છે. નોંધનીય છે કે, એક તરફ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રત્નકલાકારના આપઘાતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતદેહ પાસેથી એક ચિટ્ઠી મળી આવી હતી. જેની તપાસ કરતા રત્નકલાકારે વ્યાજના ત્રાસથી આપઘાત કર્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર કતારગામમાં રહેતા રત્નકલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે આપઘાત કર્યો હતો. રાદડિયાએ પાસેથી મળેલી ચિટ્ઠીમાં જુનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશ રાદડિયાને પૈસા લેવાના હતા. હિરેને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી તેથી મૃતક કમલેશ રાદડિયાએ પોતાના સગા વાહલાઓ પાસેથી એક કરોડ જેટલી રકમ લઈને આ હિરેનને આપી હતી. જો કે, તે પરત આપવાનું નામ જ લેતો ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં રહેતા હિરેન નામના ઇસમે મૃતક કમલેશ રાદડિયાને સુરતમાં રહેતા ચીમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ લેવા માટે જણાવ્યું હતું અને ચીમન સોની પાસેથી લીધેલા સોનાના પૈસા તે જ ચૂકવશે તેવું કહ્યું હતું. પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા અને મૃતક કમલેશ રાદડિયા પાસેથી થોડું સોનુ લઈ ગયો હતો. સોનીને પૈસા ન મળવાના કારણે તે રાદડિયાને તે રૂપિયા આપવા માટે દબાણ કરી રહ્યો હતો.

ચિટ્ઠીમાં એવો પણ ઉલ્લેખ કરેલો છે કે રાદડિયાએ દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના બે મિત્રોના સંબંધી પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા. જો કે, તેના માટે દબાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.