કડક માલના રવાડે 98 ટકા કેમિકલે મોતનું તાંડવ રચ્યું: તંત્રનો લુલ્લો બચાવ છતાં 90 લીટર કેમિકલનો વપરાશ?
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું વધુ એક વખત સર્જાયેલા લાઠ્ઠાકાંડ સાથે સાબીત થયું છે. ગુજરાતમાં છાસવારે સર્જાતા લઠ્ઠાકાંડના પગલે તંત્ર દ્વારા થોડા દિવસો દેશી દારૂના હાટડા બંધ કરાવ્યા બાદ ફરી બુટલેગરો સક્રીય બનતા હોવાથી લઠ્ઠાકાંડની દુર્ઘટના બનતી રહે છે. બોટાદ પંથકના બુટલેગર દ્વારા કેમિકલમાંથી બનાવેલા દારૂને વધુ કડક બનાવવાની લાયમાં બોટાદ પંથકમાં મોતનું તાંડવ સજાર્યુ છે. કેમિકલ યુકત દારૂનું સેવનથી એક સાથે 27નો ભોગ લેવાયો છે.
લઠ્ઠાકાંડના પગલે તંત્ર દ્વારા તાકીદે જવાબદારોને શોધી કાઢવા અપાયેલા આદેશના પગલે એઆઇટીની રચના કરવામાં આવી અને સમગ્ર તપાસમાં એટીએસ ઝુકાવ્યું છે. બોટાદના લઠ્ઠાકાંડની સાથે અનેક સવાલો ઉભા થયા છે. હાઇ-વે પર જ વિદેશી દારૂ પકડી વાહ વાહ મેળવતી પોલીસ કેમ દેશી દારૂના ધંધાર્થીઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે? સ્ટેટ મોનીટરીંગ સેલ શુ દારૂનો દારૂ અને લઠ્ઠાનો લઠ્ઠો છુટો પાડશે લઠ્ઠાકાંડના સુત્રધારો સહિતના શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવાના આદેશ અપાયા છે. પરંતુ દારૂના વેચાણ સામે આંખ મીચાણા કરતા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવા સવાલો થઇ રહ્યા છે.
લઠ્ઠાકાંડ બાદ હરકતમાં આવેલા પોલીસ સ્ટાફ દ્વારા રાજયભરમાં દેશી દારૂના હટડા બંધ કરાવવાની ઝુંબેશ શરૂ કરી છે. પોલીસની તપાસ દરમિયાન કેમિકલમાંથી દારૂ બનાવવામાં આવ્યાનું બહાર આવતા એટીએસની ટીમ દ્વારા કેમિકલ કયાંથી આવ્યું અને કંઇ રીતે દારૂ તૈપાર કરવામાં આવ્યો અંગે કરાયેલી છાનભીનમાં અમદાવાદ એમોજ નામની કંપનીના ચોકીદારે 600 લિટર કેમિકલ ચોરી અમદાવાદના અસલાલીના બુટલેગર જયેશને તેને રાજુ નામના નામચીન બુટલેરને કેમિકલનો અમુજ જથ્થો આપ્યો હતો તે પૈકીનું કેમિકલ બરવાળા ચોકડીના બુટલેગર પિન્ટુ રસિક નામના શખ્સ પાસે આવ્યું હતું.
રાજુ રસિકે કેમિકલમાંથી દેશી દારૂ વધુ કડક બનાવવા પાણી ઓછુ અને કેમિકલ વધુ ઉપયોગ કર્યો હોવાથી લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. પિન્ટુએ કેમિકલમાંથી તૈયાર કરાયેલા દારૂનું લેબોરેટરીમાં પૃથ્થકરણ કરવામાં આવતા 98 ટકા કેમિકલ હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
અમદાવાદની એમોદ કંપનીમાંથી ચોરાયેલા 90 લિટર કેમિકલમાંથી માત્ર દારૂ બનાવ્યાનો તંત્ર દ્વારા બચાવ કરવામાં આવ્યો છે. પરંતુ કબ્જે કરાયેલા તૈયાર દારૂનો લેબોરેટરી રિપોર્ટ જ 98 ટકા આવ્યો છે. બીજી બાજુ જોઇએ તો લાંબા સમયથી બેરોકટોક ચાલતા કેમિકલ યુકત દેશી દારૂના હાટડા પોલીસ દ્વારા કેમ બંધ કરવામાં ન આવ્યા રોજીદ ગામના સરપંચની રજુઆત પોલીસ દ્વારા કેમ ધ્યાન પર લેવામાં ન આવી સહિતના મુદે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે દારૂબંધી માત્ર કાગળ પર જ અને વિદેશી દારૂને જ દારૂ ગણવામાં આવે છે. આવા ઝેરી કેમિકલમાંથી બનતા દારૂને દારૂની વ્યાખ્યા કેમ ન આપવામાં આવી અને આવું ઝેર વેચનાર સામે પોલીસ દ્વારા કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા માત્ર હાઇ-વે પર જ વિદેશી દારૂના દરોડા પાડી રહી છે. અમદાવાદથી ચોરાતા ઝેરી કેમિકલમાંથી બનતા દારૂ છેક ગ્રામ્ય વિસ્તાર સુધી પસરી ગયો તેમ છતાં આવા દારૂના ધંધાર્થીઓને કયારે નાથવામાં આવશે? મોતનું તાંડવ રચાયા બાદ જવાબદારો સામ કડક કાર્યવાહી કરવા સરકારે આદેશ આપી સંડોવાયેલા તમામ નપાપીથઓ સામે હત્યાનો ગુનો નોંધવા કહ્યું છે આ બધુ તો નરાંડયા પછીના ડાપણથ જેવું છે દારૂબંધીનો ખરેખર અમલ કરાવવો હોય તો પહેલાં જવાબદાર પોલીસ અધિકારી સામે ખાતાકીય નહી પણ કાયદાકીય કાર્યવાહી કરી ગુનો નોંધવો જરૂરી બન્યો છે.
કેમિકલ યુક્ત દારૂનું સેવન કર્યા બાદ મોટી સંખ્યામાં બંધાણીઓને આંખે અંધાપો આવ્યો હતો અને છાતીમાં ગભરામણ થતા તમામને ધંધુકા સરકારી હોસ્પિટલ, ધંધૂકા સામુહિક આરોગ્ય કેન્દ્ર, બરવાળા, ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી 27ના મોત નીપજ્યા છે. અને અત્યારે 40થી વધુ અસરગ્રસ્ત સારવાર હેઠળ છે. જેમાં 30ની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે.
લઠ્ઠાકાંડની અસર ધંધૂકાના આકરૂ, અણીયારી અને ઉચડી, બરવાળાના રોજીદ, ચાંદરવા, રાણપુરના ગ્રામ્ય પંથકમાં લઠ્ઠાકાંડે મોતનું તાંડવ રચ્યું છે.
- લઠ્ઠાકાંડનો રેલો ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવશે?
લઠ્ઠાકાંડના સમગ્ર રાજયમાં ઘેર પ્રત્યાઘાત પડયા છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી કડક કાર્યવાહી કરવાના અને જવાબદારો સામે હત્યાનો ગુનો નોંધવાના કરેલા આદેશની સાથે સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ફરજમાં બેદરકારી દાખવા કાયદાકીય કાર્યવાહી કરવા અંગે પણ થયેલી ચર્ચાના પગલે પોલીસ બેડામાં ખળભાટ મચી ગયો છે. લઠ્ઠાકાંડનો રેલો પોલીસના ઉચ્ચ અધિકારીઓને આવે તેવી ચર્ચાએ ચકચાર જગાડી છે.
- લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા સામે હત્યાનો ગુનો નોંધાશે
લઠ્ઠાકાંડમાં એક સાથે 27 વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાતા સર્જાયેલા મોતના તાંડવની ઘટનાને તંત્રએ ગંભીરતાથી લીધી છે. સમગ્ર ઘટનાના મુળ સુધી પહોવા માટે સીટની રચના કરી છે. અને તપાસમાં એટીએસની ટીમને ઉતારી છે. બીજી બાજુ લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા તમામ સામે હત્યાનો ગુનો નોંધવા આદેશ કર્યો છે.
- મુખ્ય મંત્રી કેજરીવાલ લઠ્ઠાકાંડના અસરગ્રરસ્તોની મુલાકાત લેશે
દિલ્હીના મુખ્ય મંત્રી બે દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. ત્યારે બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા તેઓએ ટિવિટ્ટ કરી લઠ્ઠાકાંડની ઘટનાને દુ:ખદ ગણાવી અસરગ્રસ્તોની મુલાકાત લેવાનું જણાવ્યું છે. લઠ્ઠાકાંડ અંગે આપના સર્વેસવા કેજરીવાલે કરેલી ટિવિટના પગલે રાજકીય માહોલ ગરમાયો છે.
- અનેક પરિવારના મોભી છીનવાનાર ‘પાપી’ઓ સામે હત્યાનો ગુનો નોંધાશે
- હાઇ-વે પર બુટલેગર પર વોચ, ગ્રામ્ય પંથકમાં આંખ આડા કાન: લાંબા સમયથી ચાલતા દુષણ સામે તંત્રનું ભેદી મૌન
- સ્ટેટ મોનિટરીંગ સેલ દારૂનો દારૂ અને લઠ્ઠાનો લઠ્ઠો છુટો પાડશે?
- લઠ્ઠાકાંડના મુળ સુધી પહોચવા સીટની રચના: એટીએસ સહિતના વિવિધ પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
- 40 અસરગ્રસ્તોને અમદાવાદ, ધંધૂકા, બરવાળા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા:30 ગંભીર: મૃત્યુ આંક વધવાની સંભાવના
- લઠ્ઠાકાંડના સુત્રધાર સામે દસ જ દિવસમાં ચાર્જશીટ થશે: ડીજીપી આશિષ ભાટીયા
- અમદાવાદ હોસ્પિટલમાં દાખલ અસરગ્રસ્તોની ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી
બોટાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલ યુક્ત દારૂનું સેવન કરવાના કારણે 30થી વધુના થયેલા મોતના પગલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સિવિલમાં દાખલ અસરગ્રસ્તો પાસેથી જાત માહિતી મેળવી હતી અને રાજયના પોલીસ વડાએ લઠ્ઠાકાંડના સુત્રધાર સહિતના શખ્સો સામે દસ જ દિવસમાં તપાસ પુરી કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવેશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.
બોટાદ અને બરવાળા પંથકના દારૂના બંધાણીઓએ ઝેરી કેમિકલ યુકત દારૂનું સેવન કરતા એક સાથે 30ના મોત થવાથી સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સિવિલમાં દાખલ 12 જેટલા અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તે તમામની હાલત સુધારા પર છે. જ્યારે લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા તમામ શખ્સો સામે ત્વરીત કામગીરી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
રાજયભરની પોલીસ એલર્ટ બનીને કામ કરી છે. અમદાવાદના એમોજ નામના કારખાનામાંથી 600 લિટર કેમિકલની થયેલી ચોરીમાંથી પોલીસે 400 લિટર કેમિકલ કબ્જે કર્યાનું તેમજ કેમિકલમાંથી દેશી દારૂ દારૂ તૈયાર કરતા પિન્ટુ, સંજય અને જયેશ નામના શખ્સની સંડોવણી બહાર આવતા એકાદ ડઝન જેટલા શખ્સોની અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધાનું અને તમામ સામે માત્ર દસ જ દિવસમાં તપાસ પુરી કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવશે તેમ ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું છે.
- સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિલિપ્ત રાયે તપાસમાં ઝુકાવ્યું
અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે પસંશનીય ફરજ બજાવ્યા બાદ તાજેતરમાં જ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા તરીકે પંસદગી થતા વિદેશી દારૂ, ખનિજ ચોરી અને ગેસ રિફિલીંગ કાંડનો પર્દાફાસ કરનાર નિલિપ્ત રાયએ બોટદાના લઠ્ઠાકાંડની તપાસમાં ઝુકાવ્યું છે.
કોઇની શેહ શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી માટે જાણીતા નિલિપ્ત રાયએ તપાસમાં ઝુંકાવતા લઠ્ઠાકાંડના સુત્રધારોમાં ફફડાટ મચી ગયો છે.