વાલ્વમાં ખરાબી સર્જાતા 10-15 મિનિટ સુધી પ્લાન્ટમાં લીક થતા ગેસના ગોટેગોટા ઉડ્યા: હોસ્પિટલમાં નાસભાગ
સૌરાષ્ટ્રમાં ગઇ કાલે સાંજથી જ બીપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ છે. ત્યારે રાજકોટમાં પણ ભારેથી અતિ ભારે ગતિએ પવન ફૂકાવા લાગ્યો છે. ત્યારે ગઇ કાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં ખામી સર્જાતા ગેસ લીકેજ થવા લાગ્યો હતો અને તંત્ર સહિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ પાસે આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં એકાએક ગેસ લીકેજ થતાં ગોટેગોટા ઉડવા લાગ્યા હતા જેના હિસાબે તંત્ર અને લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ અંગે જાણ થતાં સિક્યુરિટી સ્ટાફે તુરંત ઘટના અંગે ઓક્સિજન મેન્ને જાણ કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
ગઇ કાલે એક તરફ સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડાએ દહેશત મચાવી હતી. જેથી તેના ભોગ બનેલા લોકો માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ તે દરમિયાન મેડિકલ કોલેજ પાસે આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં લીકેજ થતાં દર્દીઓની રાહમાં બેઠેલા તબીબો સહિતનો સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો. સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ અંગે જાણ થતાં તુરંત ઓક્સિજન મેનને જાણ કરી હતી અને તેને તુરંત ખામી દૂર કરી લીકેજ રોક્યું હતું. પરંતુ કોરોના સમયગાળામાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે જે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. જેમાં ગઇ કાલે મોડી રાત્રે 10-15 મિનિટ સુધી લીકેજ થયું હતું અને સિવિલ હોસ્પિટલ તંત્રનો સ્ટાફ દોડતો થયો હતો. આખરે મહાજહેમતે ખામી દૂર કરી લીકેજને રોકવામાં આવ્યું હતું.