સરપંચનો આબાદ બચાવ અને સદસ્ય ઘાયલ
ભાઈની હત્યાના બનાવમાં ખૂની હુમલો કર્યાનું ખુલ્યું: બે શખ્સોની શોધખોળ
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળ્યાની સાંસદ પરિમલ નથવાણીએ કરેલી ટ્વીટથી હાલારનું રાજકારણ ગરમાવ્યાના પડઘા શમ્યા નથી ત્યારે નવ નિયુક્ત એસ.પી.દિપેન ભદ્રન સામે અનેક પડકારો વચ્ચે જામજોધપુર તાલુકાના ગઢકડા ગ્રામ પંચાયતમાં મોડી રાત્રે ડબલ સવારી બાઈકમાં આવેલા શખ્સોએ કરેલા ફાયરીંગમાં સરપંચના ભાઈ ઘવાયા છે. આ ઘટનાની જાણ શેઠવડાળા પોલીસ મથકના પીએસઆઈ વાળા સહિતનો સ્ટાફ દોડી જઈ નાશી છુટેલા હુમલાખોરોને ઝડપી લેવા અને આ ફાયરીંગ જૂની અદાવતમાં થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા સરપંચ ફિરોજભાઈ ઓસ્માણભાઈ સફિયા કે જેઓ ગતરાત્રે પોતાના ગ્રામ પંચાયતના અન્ય સભ્ય ઈસ્માઈલભાઈ જૂસબભાઈ સફિયા સાથે ગ્રામ પંચાયતની ઓફિસમાં ખેડૂતોની પાક નુકશાની અંગેની નોંધણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી રહ્યાં હતા. જે દરમિયાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં બાઈકમાં બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ગ્રામ પંચાયતની ઓફિસમાં સરપંચ પર રાઈફલમાંથી બે ફાયરીંગ કર્યા હતા. જો કે આ ફાયરીંગમાં સરપંચ બચી ગયા હતા, પરંતુ રાઈફલમાંથી છુટેલી ગોળીના છરા બાજુમાં બેઠેલા ઈસ્માઈલભાઈના સાથળમાં વાગ્યા હતા. બાદમાં બન્ને શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ સમગ્ર મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને સરપંચ ફિરોજભાઈએ બે અજ્ઞાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની જાણ થતા શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઢકડા ગ્રામ પંચાયતની ઓફિસે દોડી ગયો હતો. તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે બે અજ્ઞાત શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી નાશી છુટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં છ મહિના પહેલા સરપંચ ફિરોજના ભાઈ અયુબની હત્યા થઈ હતી જે હત્યા પ્રકરણનું મન દુ:ખ ચાલી રહ્યું છે. જેના સંદર્ભમાં જ આ હીચકારો હુમલો કરાયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. શેઠવડાળા પોલીસ મથકના પીએસઆઈ વાળા સહિતનો સ્ટાફ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. આ ઘટનાથી ગઢકડા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.