સમાજ જીવનમાં મહામુલુ યોગદાન આપવા બદલ ઉમાશંકર જોશી, મનુભાઇ પંચોલી, જયપ્રકાશ નારાયણ, સામ પિત્રોડા, પૂ. પાંડુરંગ દાદા, દીપચંદ ગાર્ડી સહિતના ૧૨ મહાનુભાવોને ડી.લીટની પદવી એનાયત થયેલ છે
સરકાર જુદા જુદા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને જેમ પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણથી સન્માનીત કરે છે તેવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સાહિત્ય, કલા, લોકસાહિત્ય, સેવા, ગીત-સંગીત, આરોગ્ય, આધ્યાત્મિક, શિક્ષણ, પત્રકારત્વ સહિતના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી સમાજમાં બદલાવ લાવનારને ડી.લીટની પદવીથી નવાજવામાં આવે છે. ત્યારે ગઈકાલે મળેલી સિન્ડીકેટની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પત્રકાર ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ કિરીટભાઈ ગણાત્રાને ડી.લીટની માનદ્ પદવી એનાયત કરશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સંત પ.પૂ.આદરણીય રમેશભાઈ ઓઝા તથા ઈસરોના ચેરમેન ડો.કે.શિવાનને તેમજ આશિષભાઈ ચૌહાણ, શ્રી ભાણદેવજી અને સ્વ.કેશુભાઈ પટેલને મરણોતર ડોકટર ઓફ લીટરેચર ડી.લીટની માનદ પદ્વી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દર ૧૦ વર્ષે સમાજના બહુપ્રતિષ્ઠીત વ્યક્તિત્વને ડી.લીટની પદવી આપી સન્માનીત કરે છે. છેલ્લા દાયકાઓની વાત કરીએ તો કુલ ૧૨ જેટલા વ્યક્તિઓને ડી.લીટની પદવી એનાયત કરવામાં આવી છે. ગઈકાલે મળેલી સિન્ડીકેટની બેઠકમાં સિન્ડીકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.મેહુલ પાણીને કુલપતિને પત્ર લખી અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, સૌરાષ્ટ્રના પ્રખર કથાકાર પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ઈસરોના ચેરમેન ડો.કે.શિવાનન તેમજ આશિષભાઈ ચૌહાણ અને શ્રી ભાણદેવજી અને માજી મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને ડોકટરની ડિગ્રી આપવા માટે ચર્ચા વિચારણા કરીને પદ્વી એનાયત કરવાનો નિર્ણય કર્યો હતો. આ ડી.લીટની પદવીને સેનેટમાં મંજૂરી અર્થે મુકાશે. બાદમાં કુલાધિપતિ રાજ્યપાલને દરખાસ્ત અર્થે મોકલવામાં આવશે.
૧૯૬૭થી ચાલુ થયેલી યુનિવર્સિટીમાં છેલ્લા ૪૭ વર્ષોમાં ૧૨ શ્રેષ્ઠ વ્યક્તિને ડી.લીટની પદવી એનાયત કરવામાં આવી છે. જેમાં ૧૯૭૩માં પંડિત સુખલાલજી સંઘવી, ઉમાશંકર જોશી, ૧૯૭૯માં જયપ્રકાશ નારાયણ, ૧૯૯૧માં કે.કા.શાસ્ત્રી, મનુભાઈ પંચાલી, ૧૯૯૨માં સવિતાબેન મહેતા, ૧૯૯૮માં શંભુપ્રસાદ દેસાઈ, પૂ.પાંડુરંગદાદા આઠવલે, દંતોપત ઠેગણી, હરીવલ્લભ ભાયાણી અને છેલ્લે ૨૦૦૪માં ડો.દિપચંદભાઈ ગારડીને ડી.લીટની પદવી એનાયત કરી છે. આ તમામ વ્યક્તિએ સમાજની બહુમુલ્યવાન, પ્રતિષ્ઠીત અને સમાજ જીવન માટે મોટું પ્રદાન આપ્યું છે.