કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક સહિત તાલુકા ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પી
આયુર્વેદિક ઉકાળો-માસ્કનું વિતરણ, વૃક્ષારોપણ, રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા
કિસાન નેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નીમીતે જેતપુર માર્કેટ યાર્ડ ખાતે પંચવિધ કાર્યક્રમ યોજાયો હતો.
પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નીમિતે જેતપુર માર્કેટ યાર્ડ ખાતે જેતપુર તાલુકાના વિવિધ સમાજ, વિવિધ વર્ગોના ૨૨ જેટલી સંસ્થાઓ, ક્લબો અને ઓર્ગેનાઇઝેશનોના સહયોગી સહકારથી શ્રદ્ધાંજલીના ભાગરૂપે પંચવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં કોવીડ-૧૯ માટે આર્યુવેદીક ઉકાળા, માસ્ક વિતરણ, ધનવંતરી રથ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને તાવ, શરદી, ઉધરસ વિગેરેની પ્રાથમિક ચકાસણી, ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ અને મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ૨૦૦ બોટલ જેટલું રક્તદાન કરેલ તેમજ ૪૦ જેટલા જરૂરીયાતમંદ લોકોને મા અમૃતમ કાર્ડ પણ સ્થળ પરથી જ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા તેમજ સાંસદ રમેશભાઈ ઘડુક સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઇને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. લડાયક અને કદાવર ખેડૂત નેતા પુર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મહા રક્તદાન કેમ્પ,કોરોના આયુર્વેદિક ઉકાળા વિતરણ,વૃક્ષા રોપણ,માસ્ક વિતરણ વિગેરે કાર્યક્રમોમાં જેતપુર તાલુકા યુવા ભાજપ ટીમે ઉત્સાહપૂર્વક કાર્ય કરી કાર્યક્રમને સફળતા પુર્વક પાર પાડેલ અને યુગ પુરૂષ વિઠ્ઠલભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.