કોરોના કી ઐસી કી તૈસી…કોરોના કી ઐસી કી તૈસી…
સલામત રોકાણ મનાતા સોનાની આયાતમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
અબતક, નવી દિલ્હી
ભારતમાં સલામત રોકાણ તરીકે અને સ્ત્રી ધન તરીકે ઓળખાતા સોનાની વર્ષ 2021માં ધૂમ આયાત થઈ છે. ગત વર્ષમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડીને આયાત રૂ. 4 લાખ કરોડે પહોંચી છે.
વર્ષ 2021 દરમિયાન ભારતે મોટા પ્રમાણમાં સોનાની આયાત કરી હતી. એક રિપોર્ટ અનુસાર, દેશે સોનાની આયાતમાં 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ભારતે 1,050 ટન સોનાની આયાત કરી, જેના પર કુલ 4 લાખ કરોડનો ખર્ચ થયો છે. 2021માં સોનાની આયાતનો આ આંકડો પાછલા વર્ષની સરખામણીએ બમણો છે, જ્યારે વર્ષ 2011 પછી તે સૌથી વધુ છે. સોનાની સૌથી ઓછી આયાતની વાત કરીએ તો 2020માં કોરોના મહામારીના કારણે 1.65 લાખ કરોડ જેટલી કિંમતના સોનાની આયાત કરવામાં આવી હતી. ડેટા અનુસાર, 2020માં ભારતમાં લગભગ 430 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. તે જ સમયે, 2011માં પણ વિદેશમાંથી 4 લાખ કરોડનું સોનું ખરીદવામાં આવ્યું હતું.
તહેવારોની સિઝનમાં માંગ વધવાની અસર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલઅનુસાર, 2021 માં પરિસ્થિતિમાં સુધારાને કારણે, તહેવારો અને લગ્નની સિઝન દરમિયાન ઘરેણાંની માંગ વધી છે, જેને પહોંચી વળવા વેપારીઓએ વધુ સોનાની આયાત કરી છે. રિપોર્ટ દર્શાવે છે કે છેલ્લા ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન તહેવારોની સિઝન દરમિયાન ભારતીયોએ સોનાની ભારે ખરીદી કરી હતી. આ પછી લગ્નની પીક સીઝનમાં પણ સોનાનું વેચાણ વધ્યું છે. ભારતે ડિસેમ્બરમાં 86 ટન સોનાની આયાત કરી હતી.
સોનાના વપરાશની
બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. દેશમાં વપરાતું મોટા ભાગનું સોનું વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. સોનાની કુલ આયાતમાંથી 44 ટકા સ્વિટ્ઝર્લેન્ડથી અને 11 ટકા સંયુક્ત આરબ અમીરાતમાંથી ખરીદવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કોઈપણ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાતના ડેટા પર નજર કરીએ તો 2014-15માં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 339.3 ટન સોનાની આયાત કરવામાં આવી હતી.