વ્યવસ્થાનાં અભાવે અને પાણીની અછતનાં કારણે વાવેતરમાં ૮૦ ટકાનો જોવા મળ્યો ઘટાડો
ગુજરાતમાં ફરી વખત ડુંગળી રાતાપાણીએ લોકોને રડાવશે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજયમાં પાણીની અછતનાં પગલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડુંગળીનાં વાવેતરમાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજયનાં કૃષિ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં આ વખતે રાજયમાં માત્ર ૧૮૧૧ હેકટરમાં જ ડુંગળીનું વાવેતર થયું છે જે ગત વર્ષે ૨૦૧૮ની સાલમાં ૯૨૧૪ હેકટર થયું હતું. કહેવાય છે કે, આ વાવેતર સરેરાશ ૧૧,૩૭૫ હેકટર સામે માત્ર ને માત્ર ૧૬ ટકા જેટલું જ થવા જઈ રહ્યું છે.
ગત વર્ષે પાણીની અછત અને સુચારું વ્યવસ્થા ન હોવાથી વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો તથા ખેડુતોએ કેટલું ડુંગળીનું વાવેતર કરવું તે વ્યવસ્થા સરખી ન હોવાનાં કારણે આ તમામ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દિવાળી સુધી ડુંગળી ગ્રાહકોને રડાવશે તેવી પણ આશા સેવાઈ રહી છે. વાવેતરનાં ઘટાડાથી ડુંગળીની ભયંકર ખેંચ ઉભી થશે અને ભાવ ભળકે બળે તે નિશ્ચિત બન્યું છે. ૨૦૧૮માં રાજયમાં ૧.૫૭ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું હતું. આ વખતે માત્ર ને માત્ર ૩૧૦૦૦ ટન જેટલું જ ઉત્પાદન થશે. ગુજરાતમાં ૧ હેકટરે ૧૭ ટન એટલે કે ૧૭૧.૬૫ કવીન્ટલ ડુંગળીનું ઉત્પાદન થાય છે.
ગુજરાત દેશનું પાંચમાં નંબરનું ડુંગળી પકવતું રાજય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાન પછી ગુજરાત દેશનાં કુલ ઉત્પાદનમાં ૬.૫૦ ટકાનો હિસ્સો આપે છે. નબળો ઉનાળો તથા નબળો શિયાળ અને ભુગર્ભ જળની અછતથી ૪૬,૩૬૪ હેકટરમાંથી ડુંગળીનું વાવેતર સરેરાશ ૨૮,૬૪૭ હેકટર સુધી સીમીત બની ગયું છે. મહુવા ગુજરાતનું પ્રથમ અને દેશનું સૌથી મોટું ડુંગળીનું પીઠુ ગણાય છે.
ત્યારે આ વખતે ઉત્પાદન ખુબ જ ઓછું થશે તેવી ભીતિ પણ દેખાઈ રહી છે ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં મહુવા અને અમરેલી પંથકનાં ખેડુતોએ ડુંગળીના વાવેતરથી દુર રહેવાનું પસંદ કર્યું છે અને ગયા વર્ષે ખેડુતોને પડતર કિંમત જેટલો પણ ડુંગળીનો ભાવ મળ્યો ન હતો અને ઘણા ખેડુતોએ કિલે ૧ થી ૨ રૂપિયાની ખોટ ખાઈને માલ વહેંચવાનો વારો આવ્યો હતો.
જે રીતે ગત વર્ષે ઓછુ ઉત્પાદન, પાણીની અછત અને સારી વ્યવસ્થાનાં અભાવે ડુંગળીએ પહેલા ખેડુતોને રડાવ્યા હતા જે હવે ગ્રાહકોને રડાવશે. અંદાજો એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે, ડુંગળીનાં ભાવો દિવાળી સુધી ઉંચા રહેશે અને લોકોને ડુંગળીને લઈ અનેકવિધ પ્રકારની તકલીફોનો પણ સામનો કરવો પડે તો નવાઈ નહીં.