સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં ૪૬૧૫૮ કરોડ, પીએનબીનાં ૨૫,૦૯૦ કરોડ અને બેંક ઓફ ઈન્ડિયાનાં ૯૮૯૦ કરોડ રૂપિયા સહિત અન્ય બેંકોની વસુલાત બાકી

દેશનાં અર્થતંત્રને જો કોઈ ક્ષતિ પહોંચાડતું હોય તો તે વીલફુલ ડિફોલ્ટરો પહોંચાડે છે. દેશમાં આલ્યા, માલ્યા, જમાલ્યા દેશની આવકને બીજા દેશમાં લઈ જઈ પોતાની જાતને નાદાર જાહેર કરી દેતા હોય છે. જેનાં કારણે દેશની આર્થિક સ્થિતિને માઠી અસર પહોંચે છે ત્યારે સરકાર દ્વારા આ તમામ ડિફોલ્ટરો ઉપર લાલ આંખ કરી છે અને તેમની બાકી રકમ કઈ રીતે વસુલી શકાય તે દિશામાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે.

ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ની વાત કરવામાં આવે તો કુલ દોઢ લાખ કરોડ રૂપિયાનો બેંકોને ધુંબો લાગ્યો છે ત્યારે આ વસુલાત કઈ રીતે કરી શકાય તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે ત્યારે મોદી સરકાર દ્વારા વીલફુલ ડિફોલ્ટર ઉપર તવાઈ બોલાવવા અને ડિફોલ્ટરોનાં નિયમોને વધુને વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે જેથી તેઓ બચીને ન જઈ શકે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો તે બેન્કને ૪૬,૧૫૮ કરોડનો ધુંબો લાગ્યો છે. એવી રીતે પંજાબ નેશનલ બેંકને ૨૫,૦૯૦ કરોડ અને બેંક ઓફ ઈન્ડિયાને ૯૮૯૦ કરોડનો ધુંબો મારવામાં આવ્યો છે. આ તમામ વીલફુલ ડિફોલ્ટરોની વાત કરવામાં આવે તો તેઓ પાસે ખુબ જ મોટો વ્યવસાય હોવા છતાં તેઓ પોતાની જાતને નાદાર જાહેર કરી દેતા હોય છે અને બેંકો પાસેથી લીધેલા નાણાને ન ચુકવવા માટેનાં આ પેતરા અજમાવતા હોય છે ત્યારે સાંસદમાં આ અંગે રજુઆત થતાં દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને આ અંગે લેખિત જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીલફુલ ડિફોલ્ટરો ઉપર તવાઈ બોલાવવામાં આવે તે માટે નિયમોને વધુને વધુ કડક બનાવી રહ્યા છે. વિજય માલ્યા, ભાગેડુ નિરવ મોદી અને તેમનાં કાકા મેહુલ ચોકસી વિરુઘ્ધ પણ આ અંગે રી-પેમેન્ટને લઈ કેસ દાખલ કરવામાં આવ્યો છે પછી જેટ એરવેઝનાં નરેશ ગોયલ પણ કેમ ન હોય ત્યારે આ પ્રકારનાં ભાગેડુઓ ઉપર તવાઈ બોલાવવા મોદી સરકાર દ્વારા વિલફુલ ડિફોલ્ટરો માટે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે.

આ તકે બેંકોનાં વડાઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડિફોલ્ટરો વિરુઘ્ધ લુકઆઉટ નોટીસ બહાર પાડવામાં આવશે કે જેથી તેઓ વિદેશ ન જઈ શકે. અત્યાર સુધીનાં ઈતિહાસમાં એવું અનેક વખત બન્યું છે અને ઉદાહરણો પણ સામે છે જેમાં નાદારી જાહેર કરનાર આરોપીઓ દેશને અને બેંકોને ચુનો ચોપડી ધુંબો મારી વિદેશ જતા રહે છે જેમાં વિજય માલ્યા, નરેશ ગોયલ તથા નિરવ મોદીનો પણ સમાવેશ થાય છે ત્યારે આ તકે પબ્લીક સેકટર બેંકોએ ૧૪૭૫ જેટલી ફરિયાદ પોલીસને કરી છે. છેલ્લાં ૩ નાણાકીય વર્ષોમાં જોવાનું એ રહ્યું કે, આ પ્રકારનાં ગુનેગારો ઉપર સરકાર કઈ રીતે તવાઈ બોલાવશે.

વિલફુલ ડિફોલ્ટરો ઉપર તુટી પડવા સીબીઆઈ સજજ: એક જ દિવસમાં ૧૭ કેસો નોંધાયા

ક્ષ ૧૮ શહેરોને આવરી લઈ કુલ ૧૧૩૯ કરોડ રૂપિયાની બાકી લોનની વસુલાત માટે તંત્રએ ચક્રો ગતિમાન કર્યા

દેશમાં બેંકોનાં નાણા હજમ કરી જનાર લોન નાદારો સામે હવે સીબીઆઈની આકરી તવાઈ શરૂ થઈ છે. લોન લઈને હાથ અઘ્ધર કરી દેનાર નાદારો સામે સીબીઆઈએ મંગળવારથી આ કાર્ય હાથ પર લીધું છે. જેમાં દેશનાં કુલ ૧૮ મોટા શહેરોની ૬૧ જગ્યાઓ પર ૧૭ જેટલા કેસ કરી ૧૧૩૯ કરોડ રૂપિયાની બાકી લોનની વસુલાત માટે ચક્રોગતિમાન કર્યા છે. દેશનાં વહિવટી ઈતિહાસમાં સૌપ્રથમ વખત સીબીઆઈએ લોન ડિફોલ્ટરોને સકંજામાં લેવા માટે ૩૦૦ અધિકારીઓને તૈનાત કર્યા છે કે જેઓ દેશમાં ૬૧ જગ્યાઓ ઉપર દરોડા પાડી બેંક લોનનાં ડિફોલ્ટરોનાં દરવાજે કાનુની દસ્તક દઈને કરોડો રૂપિયાની લોન ન ભરપાઈ કરવા અંગે ફરિયાદો દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હીનાં વરિષ્ઠ અધિકારી અને સીબીઆઈનાં ડાયરેકટર રિષીકુમાર શુકલાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડિફોલ્ટરો પર તવાઈ માટે વસુલાતનો લક્ષ્યાંક ૬૪૦ કરોડથી લઈ ૧૧૩૯ કરોડ સુધીનો રાખવામાં આવ્યો છે. આ વસુલાત માટે ફોજદારી અને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. દેશમાં દિલ્હી, મુંબઈ, લુધીયાણા, ખાણે, વલસાડ, પૂના, પલાણી, ગયા, ગુરુગ્રામ, ચંદીગઢ, ભોપાલ, સુરત સહિતની જગ્યાઓ ઉપર તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ અત્યાર સુધી ૧૭ એફઆઈઆર દાખલ પણ કરાઈ છે. સીબીઆઈ દ્વારા લુધીયાણાની સુપ્રીમ ટેકસમાર્ટ પર એસબીઆઈનાં ૧૪૩.૨૫ કરોડ, બેંગ્લોરની એજન્ટ બેટરીનાં ૯૮.૭૫ કરોડ ગયાની રાવાનંદી હોટલ રીસોર્ટની ૧૩૧.૭૯ કરોડ રૂપિયા ઉપર હાલ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સીબીઆઈએ ફરિયાદ દાખલ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોનાં ૧૧૩૯ કરોડ રૂપિયાનો ચુનો ચોપડનાર ડિફોલ્ટરો સામે આકરી કવાયત હાથધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં આર્થિક વિકાસની સાથોસાથ પ્રજાનાં નાણાનો દુરઉપયોગ ન થાય અને ભ્રષ્ટાચાર પર પૂર્ણવિરામ મુકવામાં આવે તે માટે મકકમતાથી અમલ કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને તે હાલ સ્પષ્ટપણે દેખાય પણ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.