૧,૬૦,૫૦૦ કરદાતાઓએ વેરા વળતર યોજનાનો લાભ લીધો: જુનથી ૫ ટકા જ વળતર
રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચમાં હાલ વેરા વળતર યોજના ચાલી રહી છે જે અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦૨૦નો એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરામાં ૧૦ ટકા અને મહિલાઓનાં નામે નોંધાયેલી મિલકતમાં ૧૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. વેરા વળતર યોજનાનું છેલ્લું એક અઠવાડિયું બાકી રહ્યું હોય કરદાતાઓને વેરાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આજસુધીમાં ૭૪ કરોડની આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત ૯ એપ્રિલથી વેરા વળતર યોજના શ‚ કરવામાં આવી છે.
જે અંતર્ગત આજસુધીમાં કુલ ૧,૬૦,૫૦૦ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી ૬.૫ કરોડનું વળતર મેળવ્યું છે અને મહાપાલિકાની તિજોરીમાં રૂ.૭૪ કરોડ ઠાલવી દીધા છે. આગામી ૩૧મી મેનાં રોજ વેરા વળતર યોજના પૂર્ણ થઈ જશે ત્યારબાદ જુન માસમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં અનુક્રમે ૫ અને ૧૦ ટકા જ વળતર આપવામાં આવશે. વેરા વળતર યોજના અંતર્ગત રૂ.૧૦૦ કરોડની વસુલાત કરવાનો ટેકસ બ્રાંચનો લક્ષ્યાંક છે.