પાકિસ્તાન દ્વારા સરહદે ગોળીબારનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા છ દિવસથી સતત ગોળીબારની ઘટના સામે આવી છે. અને અનેક વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે. છેલ્લા છ દિવસમાં એક જવાન શહીદ થયો છે જ્યારે એક મહિલાનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે પાંચ જેટલા જવાનો ઘાયલ થયા છે. સામેપક્ષે ભારતની જવાબી કાર્યવાહીમાં છ દિવસમાં પાકિસ્તાનના બે જવાનો ઠાર મરાયા છે.
હાલ અર્નિયા સેક્ટરને પાક. સૈન્ય નિશાન બનાવી રહ્યું છે. છેલ્લા છ દિવસથી અહીં રાત્રી સમયે ગ્રામીણ વિસ્તાર જ્યારે દિવસે સૈન્યની ચોકીઓને નિશાન બનાવાઇ રહી છે. રવિવારે થયેલા ગોળીબારમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે પાંચ અન્ય ભારતીય નાગરીકો પણ ઘાયલ થયા હતા. આર્નિયા સેક્ટરમાં છેલ્લા છ દિવસથી સતત પાક. સૈન્ય ગોળીબાર કરી રહ્યું હોવાથી અહીં ગ્રામીણ નાગરીકો હાલ ભયના માહોલમાં જીવી રહ્યા છે.
દરમિયાન એક વોન્ટેડ જાહેર કરેલ ગુનેગારની જમ્મુમાંથી ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી એક પિસ્તોલ અને કેટલીક કાર્ટિજ મળી આવી છે. મનોજસિંહ નામનો જમ્મુમાં રહેતો આ શખ્સ ઘણા સમયથી નાસતો ફરતો હતો.