માઁ જગદંબાની આરાધનાના મહાપર્વ શારદીય નવરાત્રિનો આજે અંતિમ દિવસ છે. આવતીકાલે દેશભરમાં આસુરી શકિત પર દૈવી શકિતના વિજય એવા વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવશે. કાલે મંગળવારના દિવસે દશેરા આવતા હોય ગરબો પધરાવી શકાશે. ગરબો બુધવારે અથવા ગુરૂવારે પધરાવવાનો રહેશે.

વિજયા દશમીએ મંગળવાર હોય ગરબો બુધવારે અથવા ગુરૂવારે પધરાવવો પડશે: કાલે શસ્ર પુજન અને રાક્ષસ દહન

વિશ્ર્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ એવા શારદીય નવરાત્રિનું ભારતમાં તેમાં પણ ગુજરાતમાં સવિશેષ મહત્વ રહેલું છે. ગઇકાલે આઠમા નોરતે હોમાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર માતાજીના હોમ હવન કરવામાં આવ્યા હતા. અંબાજી, પાવાગઢ, બહુચરાજી, ચોટીલા, માટેલ અને ખોડલધામ સહિત માતાજીના જયાં બેસણા છે ત્યાં માઁઇ ભકતો ભકિતભાવ સાથે ઉમટયા હતા. આજે અંતિમ નોરતું છે. આવતીકાલે પ્રાચિન ગરબી મંડળના આયોજકો હવન સાથે માતાજીને ભકિતભાવ પૂર્વક વિદાય આપશે.

અર્વાચિન રાસોત્સવમાં આવતીકાલે મેગા ફાઇનલ રમાશે. વિજયા દશમીએ સૌરાષ્ટ્રવાસીઓ કરોડ રૂપિયાની મીઠાઇ અને ફરસાણ આરોગી જશે રાજકોટમાં આવતીકાલે વિશ્ર્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓ દ્વારા શહેરના રેસકોર્સ મેદાનમાં રાજયના સૌથી મોટા રાક્ષસના પુતળાનું દહન કરવામાં આવશે. આસુરી શકિત પર દૈવ્યી શકિતના મહા પર્વની ઉજવણી કરવામાં આવશે. ક્ષત્રીય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્રનું પુજન કરવામાં આવશે અનેક સ્થળોએ શાસ્ત્ર પુજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીના જણાવ્યાનુસાર વિજયા દશમીએ ગરબો પધરાવવાનો હોય છે પરંતુ મંગળવારે ગરબો પધરાવી શકાતો નથી. આજથી બુધવારે ગરબો પધરાવવાનો રહેશે. અમુક ભાવિકો બુધવારે પણ ગરબો પધરાવતા હોતા નથી તેઓએ ગુરુવારે શુભ મુહુર્તે ગરબો પધરાવાનો રહેશે.

બુધવારે ગરબો મંદિરે અથવા નદીના વહેતા પાણીમાં પધરાવાનું શુભ મુહુર્ત સવારે લાભ 6.48 થી 8.14 કલાક, અમુત 8.14 થી 9.40 કલાક, શુભ 11.5 થી 12.31 કલાક, ચલ 3.22 થી 4.48 કલાક, લાભ 4.48 થી 6.13 કલાક સાંજે પ્રદોષ કાળનું શુભ સમય 6.15 થી 8.48 કલાક સુધી છે.

ગુરૂવારે ગરબો પધરાવા હોય તો શુભ ચોઘડિયા શુભ 6.48 થી 8.14 કલાક, ચલ 11.05 થી 12.31 કલાક, લાભ 12.31 થી 1.56 કલાક, અમૃત 1.56 થી 3.22 કલાક, શુભ 4.47 થી 6.13 કલાક, રાત્રીના શુભ ચોઘડીયામાં અમૃત 6.13 થી 7.47 કલાક સુધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.