અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, વશરામભાઈ સાગઠીયા, દિલીપ આસવાણી, વિજય વાંક, પરેશ હરસોડા, સંજયભાઈ અજુડીયા સહિત કોંગ્રેસે 20ને રીપીટ કર્યા: 11ની ટિકિટ પર કાતર
રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની 72 બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ ફાઈનલ કરવાના મામલે જબરી ખેંચતાણ ચાલી હતી. પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં વોર્ડ નં.7 માટે મહિલા ઉમેદવાર તરીકે વિશાખાબેન દિપકભાઈ કરચલીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી જે બપોરે બદલી નાખવામાં આવ્યું હતું. ગત ટર્મમાં કોંગ્રેસના 34 કોર્પોરેટરો વિજેતા બન્યા હતા. પેટાચુંટણીમાં કોંગ્રેસે 2 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ વખતે કોંગ્રેસે 20 કોર્પોરેટરોને ફરી મેદાનમાં ઉતાર્યા છે જયારે 11 ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી છે.
વોર્ડ નં.9ની બાકી રહેતી એક બેઠક માટે અર્જુન ગુજરીયા અને પ્રતિપાલસિંહ ગોહિલને ફોન કરાયા જયારે વોર્ડ નં.13માં પણ આવી જ સ્થિતિ આદિત્યસિંહ ગોહિલ અને વિજયસિંહ જાડેજા (ચાંગલી)ને ફોર્મ ભરવા બોલાવાયા, સત્તાવાર મેન્ડેટ બાદ ઉમેદવાર ફાઈનલ થશે: વોર્ડ નં.1માં પુરુષ ઉમેદવાર અને વોર્ડ નં.16માં મહિલા ઉમેદવારના નામની ઘોષણા હજી બાકી
કોંગ્રેસ દ્વારા ગત સપ્તાહે શહેરના 18 વોર્ડ પૈકી 14 વોર્ડ માટે ઉમેદવારોની પ્રથમ યાદીમાં 22 નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ રાબેતા મુજબ કોંગ્રેસનું ઘર સળગી ઉઠયું હતું જેના કારણે બાકી રહેતા 50 ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ ચાલી હતી. ગઈકાલે 9 ઉમેદવારોએ ડાયરેકટ ફોર્મ ભરી દીધા હતા. દરમિયાન ગત મોડીરાત્રે શહેરના અલગ-અલગ વોર્ડ માટે 39 ઉમેદવારોના નામની સતાવાર ઘોષણા કરવામાં આવી હતી જયારે ઉમેદવારી ફોર્મ ભરવાની ગણતરીની કલાકો અગાઉ બાકી રહેતા 11 ઉમેદવારો પૈકી માત્ર 9 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકી છે. વોર્ડ નં.1માં હજી એક પુરુષ ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે જયારે વોર્ડ નં.16માં મહિલા ઉમેદવારના નામ પર મહોર લાગવાની બાકી છે.
કોંગ્રેસ દ્વારા અલગ-અલગ બે યાદીમાં કુલ 61 ઉમેદવારો જાહેર કરાયા હતા. 11 ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવા માટે બોલાવવામાં આવ્યા હતા જેમાં 2 વોર્ડમાં ડખ્ખો સર્જાયો હતો. વોર્ડ નં.9માં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર માટે પ્રભારી તરીકે નિયુકત કરાયેલા જીતેન્દ્ર બધેલે કાલરીયા રાજપુત સમાજમાંથી આવતા પ્રતાપસિંહ ગોહિલને ફોર્મ ભરવાની સુચના આપી હતી તો શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે આહિર સમાજમાંથી આવતા અર્જુનભાઈ ગુજરીયાને ફોર્મ ભરવા સુચના આપી હતી જોકે શહેર પ્રમુખે વોર્ડ નં.9 માટે જે એક નામ બાકી હતી તેની જાહેરાત કરવામાં આવી છે જેમાં અર્જુનભાઈ ગુજરીયાનું નામ જાહેર કરાયું છે. હવે જોવાનું એ રહે છે કે કોના નામનું મેન્ડેટ પ્રદેશમાંથી આવે છે. આવી જ સ્થિતિ વોર્ડ નં.13માં સર્જાઈ હતી. અહીં પુરુષ ઉમેદવારનું એક નામ જાહેર કરવાનું બાકી હતું જેમાં એનએસયુઆઈના આદિત્યસિંહ ગોહિલ અને વિજયસિંહ જાડેજા (ચાંગલી) બંનેને ફોન કરી ફોર્મ ભરવા માટે બોલાવવામાં આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખે આદિત્યસિંહ ગોહિલના નામ પર મંજુરીની મહોર મારી દીધી છે પરંતુ કોના નામનું મેન્ડેટ નિકળશે તે જોવાનું રહ્યું?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોડીરાત્રે બીજી યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં વોર્ડ નં.7માં બે મહિલા ઉમેદવાર તરીકે વૈશાલીબેન પડાયા અને વિશાખાબેન કરચલીયાના નામની ઘોષણા કરવામાં આવી હતી પરંતુ ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે ડખ્ખો થતા વિશાખાબેન કરચલીયાના નામે અલ્કાબેન રવાણીને ફોર્મ ભરાવવામાં આવ્યું છે. પ્રદેશમાંથી આવેલા નામ પર પણ શહેર કોંગ્રેસે ચોકડી મારી દીધી હતી. આજે જે 11 ઉમેદવારોના નામ બાકી રહેતા હતા જેમાં વોર્ડ નં.1 માટે અમિતભાઈ ભટ્ટ , રેખાબેન ગેડિયા, વોર્ડ નં.2 માટે મનીષાબા વાળા, વોર્ડ નં.4 માટે શીતલબેન પરમાર, વોર્ડ નં.7 માટે રણજીતભાઈ મુંધવા, વોર્ડ નં.9 માટે અર્જુનભાઈ ગુજરીયા, વોર્ડ નં.11 માટે સુરેશભાઈ બથવાર, વોર્ડ નં.13 માટે આદિત્યસિંહ ગોહિલ અને વોર્ડ નં.18 માટે નીતાબેન સોલંકીને ફોન કરી ઉમેદવારી ફોર્મ ભરાવી દેવામાં આવ્યા છે. વોર્ડ નં.1 અને વોર્ડ નં.16 માટે કોંગ્રેસ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી ઘડી સુધી નામ નકકી કરી શકી નથી. હવે કોઈ પણ કાર્યકરને ફોર્મ ભરાવી દેવામાં આવશે ત્યારબાદ નિયમ અનુસાર પક્ષનું મેન્ડેટ અપાશે.