૧૬થી વધુ ઉમેદવારો હોય તેવી બેઠકમાં મતદાન મથકો ઉપર બબ્બે ઈવીએમ મુકાશે

રાજકોટ જિલ્લાની આઠ બેઠક સહિત કુલ ૮૯ બેઠકોની વિધાનસભાની સામાન્ય ચૂંટણી આગામી ૯મી ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ તો મુખ્ય રાજકિય પક્ષો આફત‚પ બને તેવા ઉમેદવારોને ફોર્મ પાછુ ખેંચાવવા માટે મથામણ કરી રહ્યા છે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે તા.૧૪ થી ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શ‚ થઈ હતી. આ પ્રક્રિયા ૨૧મી સુધી ચાલુ હતી ત્યારબાદ ગઈકાલે ૨૨મીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. હવે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આવતીકાલે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવાનું છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાજકિય પક્ષો આફત‚પ બને તેવા અપક્ષ ઉમેદવારો પાછુ ખેંચે તે માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યા છે.

ચૂંટણીચિત્ર સ્પષ્ટ થવાને એક દિવસ બાકી છે ત્યારે રાજકિય પક્ષોમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી સંદર્ભે વ્યુહરચનાઓ ઘડાઈ રહી છે. જિલ્લાની આઠેય બેઠકોમાં અપક્ષ ઉમેદવારોનો ભારે દબદબો રહ્યો છે. અપક્ષ ઉમેદવારો મુખ્ય રાજકીય પક્ષો પર હાવી ન થાય તે માટેના તમામ બનતા પ્રયાસો ચાલી રહ્યા છે.

ગઈકાલે જિલ્લાની ત્રણ બેઠકોના ઉમેદવારી ફોર્મમાં અન્ય ઉમેદવારો વાંધો ઉઠાવ્યો હોવાના કિસ્સા બન્યા હતા. ૬૮-રાજકોટ પૂર્વ બેઠકમાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૈયાણીનું નામ વાંકાનેર અને રાજકોટની બે મતદાર યાદીમાં હોવાથી તેઓનું ફોર્મ રદ કરવાની રજુઆત એનસીપીના મોહન સોજીત્રાએ કરી હતી. ૬૯-રાજકોટ પશ્ર્ચિમ બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુના ઉમેદવારી પત્રમાં ટેકનિકલ ક્ષતિ હોવાથી તેમનું ફોર્મ રદ કરવાની રજુઆત નીતિન ભારદ્વાજે કરી હતી. આ ઉપરાંત જસદણની બેઠક માટે ભાજપના ભરતભાઈ બોઘરાએ કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયાના મેન્ડેટ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ત્રણેય કિસ્સામાં અંતે ઘીના ઠામમાં ઘી પડયું હતું. ત્રણેમાંથી એક પણ ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું ન હતું. ફોર્મ રદ થવાથી અટકળો વહેતા ત્રણે બેઠકોની કચેરી ખાતે ઉમેદવારોના સમર્થકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.

ફોર્મ ચકાસણી દરમ્યાન ૬૮-રાજકોટ પૂર્વ બેઠક પરથી ભરાયેલા ૨૫ ફોર્મ પૈકી ૮ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા અને ૧૭ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર ૩૩ પૈકી ૮ રદ કરાયા હતા અને ૨૬ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. ૭૦-રાજકોટ દક્ષિણમાં ૧૪ પૈકી ૩ ફોર્મ રદ કરાયા હતા. કુલ ૧૧ માન્ય રખાયા હતા. ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૧૯ પૈકી ૯ રદ કરાયા હતા. ૧૪ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. ૭૪-જેતપુરમાં ૧૩ પૈકી ૩ ફોર્મ રદ કરાયા હતા. ૧૦ માન્ય રખાયા હતા. ૭૫-ધોરાજીમાં ૩૮ પૈકી ૧૬ ફોર્મ રદ કરાયા હતા. ૨૧ ફોર્મ માન્ય રખાયા છે. ૭૩-ગોંડલમાં ૨૪ પૈકી ૨ ફોર્મ રદ કરાતા કુલ ૨૨ ફોર્મ માન્ય રખાયા છે. ૭૨-જસદણમાં ૨૨ ફોર્મ ભરાયા હતા. જેમાંથી એકપણ ફોર્મ રદ થયું નથી. રાજકોટ જિલ્લાની આઠ બેઠકોમાં કુલ ૧૮૮ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૪૪ ફોર્મ રદ કરાયા છે. જિલ્લાની આઠ બેઠકોમાં ચકાસણી બાદ કુલ ૧૪૪ ઉમેદવારો રહ્યા છે. જેમાં મુખ્યમંત્રીના મત વિસ્તાર એવા ૬૯-રાજકોટ પશ્ર્ચિમના સૌથી વધુ ૨૬ ઉમેદવારો છે.

૧૬થી વધુ ઉમેદવારો હોય તેવી બેઠકમાં મતદાન મથકો પર બે ઈવીએમ અને વીવીપેટ મુકવાનો જિલ્લા ચૂંટણી તંત્રએ નિર્ણય કર્યો છે. ચકાસણી બાદ જિલ્લાની ૮ માંથી ૫ બેઠકો પર ઉમેદવારોની સંખ્યા ૧૬થી વધુ છે. ત્યારે શુક્રવારે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઉમેદવારોની સંખ્યા જે બેઠકમાં ૧૬થી વધુ રહેશે તે બેઠક પર બે ઈવીએમ, વીવીપેટ મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.