સોમવારે બપોરે 3:00 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારાશે: મંગળવારે ફોર્મની ચકાસણી, ગુરૂવાર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે

પ્રથમ તબક્કાના મતદાનમાં જે 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ છે. આવતીકાલે સરકારી કચેરીઓ ચાલુ છે પરંતુ સરકારી ગેઝેટ મુજબ બીજા શનિવારની રજા હોવાના કારણે ફોર્મ સ્વિકારવામાં આવશે નહિ. હવે ઉમેદવારી ભરવા માટે છેલ્લા બે દિવસ બાકી હોવાના કારણે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મંગળવારથી ફોર્મ ચકાસણીની કામગીરી શરૂ થશે અને ગુરૂવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સં5ૂર્ણપણે સ્પષ્ટ થઇ જશે. કંઇ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તે ફાઇનલ થઇ જશે.

પ્રથમ તબક્કાના મતદાન માટેનું જાહેરનામું ગત શનિવારે પ્રસિદ્વ થયું અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ જવા પામી હતી. પ્રથમ પાંચ દિવસમાં જૂજ ફોર્મ ભરાયા હતા. દરમિયાન આજે ભાજપ, કોંગ્રેસ અને આપની યાદી જાહેર થયા બાદ આજથી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં તેજી આવી ગઇ છે. આજે ઉઘડતી કચેરીએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના સમર્થકો, દાવેદારો અને દરખાસ્ત કરનાર નેતાઓ સાથે સરકારી કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. ત્રણેય મુખ્ય રાજકીય પાર્ટીના ઉમેદવારોએ અડીખમ વિજય વિશ્ર્વાસ સાથે આજે શુભ વિજય મુહુર્તે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. કેટલાક ઉમેદવારોએ પોતાના ઇષ્ટદેવ, કુળદેવી કે ગુરૂદેવના આશિર્વાદ લીધા બાદ ઉમેદવારી પત્રક ભર્યું હતું અનેક બેઠકો પર વિશાળ જાહેર સભા અને શક્તિ પ્રદર્શન ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા. રાજકોટમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ વિશાળ બાઇક રેલી યોજી હતી.

જ્યારે ભાજપના ચારેય ઉમેદવારોએ ફોર્મ ભરતા પૂર્વે બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી એક જાહેરસભા યોજ્યા બાદ નામાંકન પત્ર દાખલ કર્યું હતું. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14, નવેમ્બર નિયત કરવામાં આવી છે. ફોર્મ એક સામાન્ય ભૂલ રહી જાય તો પણ ઉમેદવારી કેન્સલ થાય છે. આવા સંજોગો રચાઇ તો બેઠક ગુમાવવી ન પડે તે માટે માન્ય રાજકીય પક્ષો પોતાના સત્તાવાર ઉમેદવાર સાથે એક ડમી ઉમેદવારને પણ ફોર્મ ભરાવે છે. ચકાસણી દરમિયાન સત્તાવાર ઉમેદવાર ફોર્મ માન્ય રહે તો ડમી ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ્ થઇ જાય છે. આગામી મંગળવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ગુરૂવારે બપોરે 3:00 વાગ્યા સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ગુરૂવારે બપોરે સંપૂર્ણ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. બીજી તરફ બીજા તબક્કાના મતદાન માટે જે 93 બેઠકો માટે મતદાન થવાનું છે તેના માટે જાહેરનામું ગઇકાલે પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છે.

  • ઉમેદવારી ફોર્મ ભરવા આજે ભારે ધસારો
  • કાલે સરકારી કચેરી ચાલુ છતાં ઉમેદવારી ફોર્મ નહિ સ્વિકારાય: આજે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જાહેર કરાયેલા મોટાભાગના ઉમેદવારોઓ ફોર્મ ભરી દીધાં

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે આગામી 1લી ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ બે દિવસ જ બાકી રહ્યા છે. ભાજપ દ્વારા 160 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસે 89 ઉમેદવારો ડિક્લેર કરી દીધા છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ 177 જેટલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા હોય આજે વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવા માટે તમામ જિલ્લા અને તાલુકા મથકોએ ભારે ધસારો જોવા મળ્યો હતો. જે બેઠકો માટે ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તે બેઠકો પરથી ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા. ભાજપ બાકી રહેતી 22 બેઠકો માટે આજે સાંજ સુધીમાં ગમે ત્યારે ઉમેદવારોના નામ ઘોષિત કરશે તેવું મનાઇ રહ્યું છે. સામા પક્ષે કોંગ્રેસમાં પણ અમૂક બેઠકો પર પણ નામ જાહેર કરવાના બાકી છે. જ્યારે આપે પણ અમૂક બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કર્યા નથી. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ સારો એવો રસ રહે તેવું મનાઇ રહ્યું છે.

પ્રથમ તબક્કાના મતદાન માટેનું જાહેરનામું ગત શનિવારે અર્થાત 5 નવેમ્બરના રોજ પ્રસિદ્વ કરી દેવામાં આવતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જો કે, પ્રથમ પાંચ દિવસ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ખાસ ચહલ-પહલ જોવા મળી ન હતી. દરમિયાન ભાજપ દ્વારા ગઇકાલે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવાયા બાદ આજે મોટાભાગની બેઠકો પર ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. સામા પક્ષે કોંગ્રેસમાં પણ કંઇક આવો જ માહોલ છે. માન્ય રાજકીય પક્ષના ઉમેદવારો સામે જ્ઞાતિ-જાતિના સમીકરણોના આધારે મત આપવા માટે કેટલાક અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી રહ્યા છે. આજે ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જે સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાઇ છે તેઓ પણ ઉમેદવારોની સાથે જોડાયા હતા. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા શક્તિ પ્રદર્શન, જાહેર સભા, બાઇક રેલી સહિતના કાર્યક્રમો બાદ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.