Screenshot 8 9જિલ્લાની 8 વિધાનસભા બેઠક વિસ્તારમાં 23.07 લાખ મતદારોમાંથી 16.73 લાખ મતદારોનું વેરિફિકેશન : સૌથી વધુ રાજકોટ ગ્રામ્યમાં 87 ટકા અને સૌથી ઓછી રાજકોટ દક્ષિણમાં 53 ટકા કામગીરી

મતદારયાદીના ડોર ટુ ડોર સર્વેનો સોમવારે છેલ્લો દિવસ છે. જેમાં જિલ્લાની 8 વિધાનસભા બેઠક વિસ્તારમાં 23.07 લાખ મતદારોમાંથી 16.73 લાખ મતદારોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હોય હજુ 28 ટકા મતદારોનું વેરિફિકેશન બાકી છે.  સૌથી વધુ રાજકોટ ગ્રામ્યમાં 87 ટકા અને સૌથી ઓછી રાજકોટ દક્ષિણમાં 53 ટકા કામગીરી થઈ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અન્વયે તા.1લી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની તક અપાઈ હતી. 1લી જાન્યુઆરી, 2024ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથેની મતદારયાદીને આખરી કરવા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ- રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસરને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ટ દરેક ઘરની  મુલાકાત લેવામાં આવી રહી હતી. આ માટે બીએલઓને તા.21મી જુલાઇથી 21મી ઓગસ્ટ, 2023 સુધીમાં પોતાને ફાળવવામાં આવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઇને મતદારોની વિગતો એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ હેઠળ તા.21મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં બીએલઓ દ્વારા 1.79 લાખથી વધુ ઘરોની મુલાકાત લઇને વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. બીએલઓ દ્વારા ઘરોની મુલાકાત દરમિયાન નિયત નમૂનામાં ફોર્મમાં અરજીઓ મેળવવામાં આવી રહી છે. ખાસ કરીને તા.1લી જાન્યુઆરી,2024ની લાયકાતની તારીખે લાયક હોય અને મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં.6 ભરાવીને મેળવવામાં આવી રહ્યા છે. મતદારોની વિગતો ચકાસીને જો મતદારો સુધારા સૂચવે તો તેવા મતદારો પાસેથી ફોર્મ નં.8 મેળવવામાં આવી રહ્યા છે. મતદારોની ખરાઇ દરમ્યાન એક કરતાં વધુ વખત નામ દાખલ થયું હોય, કાયમી સ્થળાંતર કર્યું હોય કે અવસાન થયાના કિસ્સામાં ફોર્મ નં.7 મેળવવામાં આવી રહ્યા છે.

આ કામગીરીનો સોમવારે છેલ્લો દિવસ છે. જેમાં આજની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં 72.53 ટકા કામગીરી થઈ છે. રાજ્યમાં કુલ 54.63 ટકા કામગીરી થઈ છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ  83 ટકા કામગીરી ભાવનગરમાં થઈ છે. જ્યારે સૌથી ઓછી 36 ટકા કામગીરી દાહોદમાં થઈ છે. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4.91 કરોડ છે. જેમાંથી 2.68 કરોડ મતદારોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે.

જ્યારે રાજકોટ જિલ્લાની વિધાનસભા બેઠક વાઇઝ કામગીરી જોઈએ તો રાજકોટ પૂર્વમાં 2.98 લાખ મતદારોમાંથી 1.94 લાખ, રાજકોટ પશ્ચિમમાં 3.55 લાખ મતદારોમાંથી 1.91 લાખ, રાજકોટ દક્ષિણમાં 2.57 લાખ મતદારોમાંથી 1.71 લાખ, રાજકોટ ગ્રામ્યમાં 3.70 લાખ મતદારોમાંથી 3.24 લાખ, જસદણમાં 2.56 લાખ મતદારોમાંથી 1.93 લાખ, ગોંડલમાં 2.27 લાખ મતદારોમાંથી 1.87 લાખ, જેતપૂરમાં 2.75 લાખ મતદારોમાંથી 2.07 લાખ, ધોરાજીમાં 2.67 લાખ મતદારોમાંથી 2.03 લાખ મતદારો આમ જિલ્લામાં 23.07 લાખ મતદારોમાંથી 16.73 લાખ મતદારોનું વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.