ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિત 13 જિલ્લા-શહેરની 77 બેઠકો માટે આજે મોડી રાત સુધી કરાશે મનોમંથન
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારોના નામો નક્કી કરવા અથવા સંભવીતોના નામોની પેનલ બનાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ) છેલ્લા બે દિવસથી કસરત કરી રહી છે. આજે પાર્લામેન્ટરી બોર્ડનો અંતિમ દિવસ છે. જેમાં કજીયાનું ઘર ગણાતી બેઠકો સહિત 77 બેઠકો માટે મનોમંથન કરવામાં આવશે. આજે મોડી રાત સુધીમાં તમામ બેઠકો માટે પેનલ તૈયાર થઇ જશે. દાવેદારોના નામ આવતીકાલે દિલ્હી દરબારમાં રજૂ કરી દેવામાં આવશે.
કાલથી બે દિવસ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં બેઠક વાઇઝ જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારીની પસંદગી કરવામાં આવશે. 10 થી 12 નવેમ્બર વચ્ચે ભાજપ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં સીટ વાઇઝ પેનલ બનાવવામાં આવી હોવાના કારણે હાઇકમાન્ડે હવે બહુ મહેનત નહી કરવી પડે.
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગત ગુરૂવારથી “કમલમ્” ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની ત્રિ-દિવસીય બેઠક શરૂ થઇ હતી. બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ભાર્ગવભાઇ ભટ્ટ, રજનીભાઇ પટેલ, વિનોદભાઇ ચાવડા, કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, પુરૂષોત્તમભાઇ રૂપાલા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહે છે.
પાર્લામેન્ટરી બોર્ડના પ્રથમ દિવસે અલગ-અલગ 13 જિલ્લા અને મહાનગરોની 47 બેઠકો માટે ઉમેદવારોના નામની પેનલ બનાવવામાં આવી હતી. સિટીંગ ધારાસભ્યોને પણ વન ટુ વન બોલાવી સાંભળવામાં આવ્યા હતા. દરમિયાન ગઇકાલે 15 જિલ્લા અને મહાનગરની 58 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ રાજ્યની 182 બેઠકો પૈકી 105 બેઠકો માટે ઉમેદવારોના નામોની પેનલ બની ગઇ છે. આજે પાર્લામેન્ટરી બોર્ડના અંતિમ દિવસે 13 જિલ્લા અને મહાનગરની 77 બેઠક માટે ઉમેદવારોના નામોની પેનલ બનાવવા મનોમંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં આણંદની 7 બેઠક, દાહોદની 6 બેઠક, પાટણની 4 બેઠક, છોટા ઉદેપુરની 3 બેઠક, વડોદરા જિલ્લાની પાંચ બેઠક, વડોદરા શહેરની પાંચ બેઠક, ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકો, જૂનાગઢ શહેરની એક બેઠક, જૂનાગઢ જિલ્લાની ચાર બેઠક, સુરત જિલ્લાની 6 બેઠક, સુરત શહેરની 10 બેઠકો, કચ્છની 6 બેઠક અને કર્ણાવતી (અમદાવાદ)ની 16 બેઠકો માટે પેનલ બનાવવામાં આવશે.
આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ તમામ 182 સીટ માટે નક્કી કરવામાં આવેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સીટ વાઇઝ બનાવવામાં આવેલા નામો કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. આવતીકાલથી બે દિવસ દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની અધ્યક્ષતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉ5સ્થિતિમાં ગુજરાતની 182 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 10મી નવેમ્બર બાદ ભાજપ દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરવાનું શરૂ કરવામાં આવશે. જેમાં અલગ-અલગ ત્રણ થી ચાર યાદીમાં તમામ બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરાશે.