રાજ્યની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોમાં ક્યાં કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે તેનો ફાઈનલ આંકડો સાંજે જાહેર કરાશે: 28મીએ મતદાન
રાજ્યની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય પંચાયત અને પાલિકાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તે વાત પરથી આજે સાંજે પડદો ઉંચકાઈ જશે અને જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ જશે. કેટલીક પંચાયત અને પાલિકાઓમાં કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા ન હોય મતદાન પૂર્વે જ ભાજપ 36 જેટલી બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગત 23મી જાન્યુઆરીના રોજ રાજ્યની છ મહાનગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. ગત 8મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. 13મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. દરમિયાન ગઈકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં નાની-મોટી ક્ષતિઓ જણાતા કેટલાંક રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારોના ફોર્મ ટેકનીકલ કારણોસર રદ પણ થયા હતા. દરમિયાન ફોર્મ ભર્યા બાદ જે વ્યક્તિ હવે ચૂંટણી લડવા નથી ઈચ્છતા તે આજે બપોર સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે. આજ સાંજ સુધીમાં જિલ્લા પંચાયત, તાલુકા અને નગરપાલિકાનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. આગામી 28મી ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાથી લઈ સાંજના 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે અને જરૂર પડશે તો 1લી માર્ચના રોજ પુન: મતદાન કરવામાં આવશે. 2જી માર્ચે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે અને બપોર સુધીમાં પરિણામો આવી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો જોવા મળી હતી. જેના કારણે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભાજપ બહુમત સાથે શાસનમાં આવ્યું હતું પરંતુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થયા હતા અને મોટાભાગની જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા આવી હતી. આ વખતે આવું કોઈ પરિબળ અસ્તિત્વમાં નથી ત્યારે એ જોવાનું રહે છે કે મતદારો કોના તરફ ઝુકે છે. આજે પાલિકા અને પંચાયત માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાંની સાથે જ તમામ મથકો પર જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ જશે. હવે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ સહિતના રાજકીય પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે.