રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી તા. ૧૮-ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ રાજકોટ ખાતે યોજાનાર મેરેથોન-૨૦૧૮ના રજીસ્ટ્રેશન માટે આવતીકાલે તા.૧૦-૨-૨૦૧૮ છેલ્લો દિવસ રહેશે. મેરેથોનમાં ભાગ લેવા ઇચ્છુક દોડવીરની સરળતા માટે રજીસ્ટ્રેશન કરાવવા મેન્યુઅલ અને ઓનલાઈન એમ બંને પ્રકારની વ્યવસ્થા કાર્યરત્ત છે.
આવતીકાલે રજીસ્ટ્રેશનનો આખરી દિવસ હોઈ દોડવીરોની સાનુકુળતા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિટી સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખુલ્લી રાખવામાં આવશે. દોડવીરો કચેરીના સમય દરમ્યાન આ સ્થળોએ પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. આગલા બે વર્ષની માફક વધુને વધુ સ્પર્ધકો ભાગ લઇ આ ઇવેન્ટને અદભૂત, અકલ્પ્ય અને યાદગાર બનાવે તેવી અપીલ કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ મહત્તમ સ્પર્ધકો વિના વિલંબે રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ પણ કર્યો છે.
મેરેથોનનું સમગ્ર સંકલન કરી રહેલા નાયબ મ્યુનિ. કમિશનર શ્રી ચેતન નંદાણીએ એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની આ મેગા આ વર્ષે પણ જબરદસ્ત સફળ થવા ભણી આગળ ધપી રહી છે. સ્પર્ધકો મેરેથોનની અલગ અલગ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવી રહયા છે.
આ શાનદાર ઇવેન્ટને અપ્રતિમસફળતા અપાવવા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસને વિવિધ સ્તરેથી અને ક્ષેત્રમાંથી ભરપુર સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે. જુદી જુદી કોલેજો અને NGO તરફથી મેરેથોન વિશે ઇન્કવાયરી કરવામાં આવે છે. રંગીલા રાજકોટની જનતા હજુ વધુને વધુ રજીસ્ટ્રેશન કરાવે અને મેરેથોન ૨૦૧૮ માં વધુને વધુ ઉત્સાહ અને ઉમંગથી જોડાય તેવી અપીલ છે.