અન્નદાન મહાદાન… ભુખ્યાને ભોજન આપવું અને આંતરડી ઠારવી એ સૌથી વધુ પુણ્યનું કામ ગણવામાં આવે છે. ખવડાવવું અને ભુખ્યાઓને વ્હારે જવું એ મહાદાન અને સૌથી મોટી સમાજ સેવા ગણવામાં આવે છે. પરંતુ આ સેવા નિસ્વાર્થ અને માનવ સેવાના અભિગમથી જ થતી હોવી જોઈએ. અન્નદાનને મહા પૂણ્યનું દાન ગણવામાં આવે છે પરંતુ તે બિનસ્વાર્થી હોવું જોઈએ. અલબત છેલ્લા કેટલાંક સમયથી સામાજીક અને રાજકીય ધોરણે અન્નદાનનો રાજકીય લાભ ઉપાડવાની એક ફેશન ચાલી છે. સરકારી ખર્ચે અન્નદાનનો આ ક્ધસેપ્ટ રાજકારણમાં એવો અસરકારક સાબીત થાય છે તે સમય અને સંજોગો પર નિર્ભર રહે છે. દેશના વિવિધ રાજકીય પક્ષો અને મહાનુભાવો પોત-પોતાના દ્રષ્ટિકોણથી પ્રજા માટે રાહત રસોડાના નામે ડિનર ડિપ્લોમસી અપનાવતા હોય છે અને તેનો રાજકીય અને ચૂંટણીમાં લાભ લેવાનો મનસુબો રહેલો હોય છે.
દેશમાં ઘણા એવા ગરીબોને રોટી આપવાના પ્રયોગો થઈ રહ્યાં છે. પં.બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે થોડો સમય જ બાકી છે ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની રાજકીય કારકિર્દીને મહત્વકાંક્ષી ગણાતી ગરીબોને રાહત ભાવે ભોજન આપતી યોજનાનું સોમવારે લોકાર્પણ કર્યું હતું. મમતા દીદી આ યોજના થકી ગરીબોની આંતરડી ઠારી મત અંકે કરશે ? તૃણમુલ કોંગ્રેસના વડાએ કરેલા આ પ્રયાસોની સાથે સાથે અગાઉ અન્ય ૧૦ રાજ્યોમાં થયેલા રામ રસોડાના પ્રયોગોને જોઈએ તેવી સફળતા મળી નથી. મમતા બેનર્જીએ માં શીર્ષક સાથેની આ યોજનામાં ગરીબોને સસ્તા ભાવે ભોજન આપવામાં આવશે. મમતા બેનર્જીના ‘ર્માં’ (માતા) મતિ (જન્મભૂમિ) અને માનુષ (પ્રજા)ના સંયોજનની રાજનીતિમાં મમતા બેનર્જીની માં યોજનામાં સરકાર દ્વારા પાંચ રૂપિયામાં ગરીબોને એક પ્લેટ ચોખા, દાળ, શાક અને ઈંડાકરી પીરસશે.
તામિલનાડુમાં આ અગાઉ જયલલીતા મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ૨૦૧૩માં અમ્મા કેન્ટીનમાં ૩ વર્ષ સુધી ગરીબોને રાહત ભાવનું ભોજન પીરસ્યું હતું. ત્યારબાદ તેલંગણામાં ૨૦૧૪માં હૈદરાબાદ કોર્પોરેશન દ્વારા અન્નપૂર્ણા કેન્ટીન બનાવીને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ડિનર ડિપલોમસી કરી હતી. ઓરીસ્સામાં નવીન પટનાયકે આહાર યોજનાનું એપ્રીલ ૧ ૨૦૦૫માં લોન્ચીંગ કરી ૧૬૦ કેન્દ્રોમાં સસ્તા ભાવે ભોજન શરૂ કર્યું હતું અને ૨૦૧૯ સુધી ચલાવવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુએ ૨૦૧૬માં એન.ટી.રામારાવના નામે અન્ના કેન્ટીન શરૂ કરી હતી. પરંતુ તે સફળ થઈ ન હતી. રાજસ્થાનમાં અન્નપૂર્ણા રસોઈ યોજનામાં ગરીબોને ૫ રૂપિયામાં ભોજન અને ૮ રૂપિયામાં વાળુ પીરસવામાં આવતું હતું. મુખ્યમંત્રી વસુંધરા રાજેની આ યોજના ૨૦૧૮માં બંધ થઈ હતી. અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારે ઓગષ્ટ ૨૦-૨૦૨૦ના રાજીવ ગાંધીના ૭૬માં જન્મ દિવસે ઈન્દિરા રસોઈ સ્કીમ બનાવી હતી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે પણ ગરીબોને સસ્તા ભાવે ભોજન માટે ૧૦ કરોડની ફાળવણી કરી હતી. રીક્ષા ચાલક, ફેરીયાઓ, મજૂરો અને કડીયાકામ કરતા લોકોને આમ આદમી પાર્ટીની કેન્ટીનમાં સસ્તા ભાવે ભોજન પીરસાતું હતું. ઉત્તરપ્રદેશના અખિલેશ યાદવે ૨૦૧૭માં ગરીબો માટે સમાજવાદી રસોડાની યોજના બનાવી હતી. ત્યારબાદ યોગી આદિત્યનાથે યોજનાનું નામ ફેરવી નાખ્યું હતું અને ૩ અને ૫ રૂપિયામાં જમવાનું અપાતું હતું.
મધ્યપ્રદેશની ભાજપ સરકારમાં દિન દયાળ રસોઈ યોજના શરૂ કરી હતી પરંતુ સરકારની વિદાય બાદ બંધ થઈ ગઈ હતી. કર્ણાટકની કોંગ્રેસ સરકારે શરૂ કરેલી રાહત ભોજન યોજના લાંબી ટકી ન હતી. મહારાષ્ટ્રમાં શિવ ભોજન યોજના ચાલુ કરવામાં આવી હતી. હવે પં.બંગાળમાં હવે મમતા બેનર્જીએ ચૂંટણી પહેલા કરેલી આ ભોજન યોજનામાં માનવતાનું પૂણ્યનો ઉદ્દેશ છે કે રાજકીય લાભ લેવા ? તેનો આવનારો સમય જ બતાવશે.