નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું રૂ. 2,43,965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું. તેમણે બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યુ કે, 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1,63,000 કરોડની એફડીઆઈ ગુજરાતમાં આવી છે. 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનુ બજેટ વર્ષ 2022-23ના વર્ષ માટે રજૂ કરવામાં આવ્યુ છે. બજેટ 2022 ની સૌથી મોટી વાત તો એ છે કે, રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી. મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપતુ આ બજેટ છે.
રાજ્યમાં ઈતિહાસનું સૌથી મોટુ બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ છે. લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામા આવી છે. સાથે જ રાજ્યમાં કરવેરામાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં 12000 સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહિ લાગે.
કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. 4369 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1 લાખ 14 હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂ. 272 કરોડ. કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ. 65 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.