આર્થિક મુશ્કેલી દુર કરવા ત્રણેય કર્મચારીઓએ પ્લાન બનાવી જીલેટીન, ડીટોનેટર અને કેપડીની ચોરી કરી વાડીમાં છુપાવી દીધાની કબુલાત
રાજહંસ સ્ટોન કટીંગ કંપનીમાં થયેલી ચોરીનો ગણતરીની કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ભેદ ઉકેલ્યો
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ આડે છે ત્યારે સમગ્ર રાજયમાં વીવીઆઇપી દ્વારા પ્રચાર અર્થે આવન-જાવન થઇ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર અને જામ કંડોરણા ખાતે બે દિવસનું રોકાણ છે તે દરમિયાન જ રાજકોટની ભાગોળે આવેલા લાપાસરી ખાતેથી વિસ્ફોટક સામગ્રીની થયેલી ચોરીના પગલે એટીએસ સહિતની સુરક્ષા એજન્સીમાં દોડધામ થઇ ગઇ છે તે દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને વિસ્ફોટક સામગ્રીની ચોરીનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. ચોરાયેલા જીલેટીન, ડીટોનેટર અને કેપડી સહિતનો જથ્થો કંપનીમાં કામ કરતા ત્રણ કર્મચારીની ધરપકડ કરી તેને વિસ્ફોટક સમાગ્રી લાપાસરી નજીકથી એક ખેતરમાં છુપાવ્યા કબુલાત આપતા પોલીસે પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે.
શહેરના કાલાવડ રોડ પર બીગ બજાર પાછળ બ્રહ્મકુંજ સોસાયટીમાં રહેતા અને લાપાસરી ખાતે રાજહંસ સ્ટોન કટીંગ કંપની ધરાવતા એભલભાઇ લાભુભાઇ જલુના લાપાસરી ખાતેની કંપનીમાંથી રૂા.40,500ની કિંમતના 1400 જીલેટીન સ્ટીક, 250 નંગ બ્લાસ્ટીંગ કેપ અને બ્લાસ્ટીંગ કરવાનો 1500 મીટર વાયર તા.6ની રાતે ચોરાયા અંગેની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૌરાષ્ટ્રના પ્રવાસના એક દિવસ પુર્વે જ લાપાસરી ખાતેથી વિસ્ફોટક પર્દાથની થયેલી ચોરીની ઘટનાને પોલીસ તંત્ર દ્વારા ગંભીરતા સાથે સઘન તપાસ શરૂ કરવામાં હતી. એટીએસ, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આજી ડેમ પોલીસ દ્વારા વિસ્ફોટક સામગ્રી અંગેના જરૂરી લાયસન્સ, જથ્થો કયાંથી મેળવ્યો અને ચોરીની ઘટનામાં કોણ સંડોવાયું હોય તે અંગેની તપાસ માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદના માર્ગ દર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા અને જે.ડી.ઝાલા સહિતના સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમ બનાવી વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દરમિયાન રાજહંસ સ્ટોન કટીંગ કંપનીમાંથી ચોરાયેલો વિસ્ફોટક પર્દાથ કંપનીમાં કોન્ટ્રાકટથી બ્લાસ્ટ કરવાનું કામ કરતા રામપર બેટીના ભરત બાબુ બારૈયા, પાંચ તલાવડાના ભરત માયા ચાવડા અને જીવાપરના ચના સુરા ભસડીયાએ ચોરી કર્યાની બાતમીના આધારે ધરપકડ કરી તેઓએ ચોરેલો વિસ્ફોટક લાપાસરી નજીકના એક ખેતરમાં છુપાવ્યાની અને આર્થિક જરૂરીયાત હોવાથી ચોરી કરી વેચી નાખવાનો પ્લાન બનાવી ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે વાડીમાં છુપાવેલા વિસ્ફોટક સામગ્રીનો પુરેપુરો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજહંસ સ્ટોન કટીંગ કટીંગ કંપનીમાં પથ્થરની ખાણમાં કમ્પેસરથી દાર બનાવી જીલેટીનના ટોટા પુરા પાડવાનો ભરત ચાવડા અને ભરત બારૈયાને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. બંને કોન્ટ્રાકટરો ગોંડલ તાલુકાના ચરખડીના સિઝન એક્સ્પોઝીવ ખડવંથલીના કોન્ટ્રાકટર નૈમિશ જયસુખ ગજેરા પાસેથી સાત પેટી જીલેટીન લાવ્યાની ત્રણેયને જાણ હોવાથી ચોરીનો પ્લાન બનાવી જરૂરીયાતવાળાઓને વેચી પોતાની આર્થિક મુશ્કેલી દુર કરવા ચોરી કર્યાની કબુલાત આપી છે.