માતૃભાષા-સપ્તાહ અંતર્ગત જય વસાવડા, સતીશ વ્યાસ અને રાજેશ પંડયાએ પોતાના વિચારો રજૂ કર્યા: કાર્યક્રમમાં નગરનાં સાહિત્યકારો અને સાહિત્ય રસિકોએ માતૃભાષા કાર્યક્રમને મન ભરીને માણયો: ગીત, ગઝલની રમઝટ બોલી
સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં યોજાયેલા માતૃભાષા સપ્તાહ અંતર્ગત જય વસાવડા, સતીશ વ્યાસ અને રાજેશ પંડયાના વકતવ્યો થયા હતા જય વસાવડાએ ‘મુકામ પોસ્ટ માતૃભાષા’ વિષય પર પોતાના વકતવ્યમાં જણાવ્યું હતુ કે ભાષા એ તો વહેતી નદી છે, એ સતત વહેતી રહે છે અને વહેતી જ રહેવી જોઈએ, અને એટલે જ તો ભાષામાં સતત પરિવર્તન થતું રહે છે, જુદીજુદી ભાષાનાં શબ્દો ઉમેરાતા રહે છે અને એમ ભાષા સમૃધ્ધ થતી રહે છે. આપણી ભાષાની સમૃધ્ધિ અને વૈવિધ્યની વાત કરીને તેમણે આપણી ભાષાપ્રીતિ વધતી રહે એવી હિમાયત પણ કરી હતી.
બીજા વકતા રાજેશ પંડયા એ બોલતી ભાષા કાવ્ય ભાષા કઈ રીતે બને છે એની વાત કરવા ઉપરાંત શતાબ્દી વંદના નિમિતે ઉશનસની કવિતા વિશે રસપ્રદ વકતવ્ય આપ્યું હતુ તેમણે ઉશનસની કવિતામાં થયેલા તૃણબ્રહ્મનો મહિમા સદષ્ટાંત ચીંધી બતાવ્યો હતો. તેમજ ઉશનસની પ્રકૃતિ કવિતા, પ્રણયભાવની કવિતા અને કુટુંબભાવનાની કવિતાનો પરિચય કરાવ્યો હતો. અન્ય વકતા સતીશ વ્યાસેક જયંત પાઠકની કવિતા વિશે વકતવ્ય આપતા જયંત પાઠકના મુકતક, સોનેટ ગીત, ગઝલ, અછાંદયીની ઉદાહરણ સાથે વાત કરીને આ કવિની કવિતાની લાક્ષણીકતાઓ દર્શાવી આપી હતી. કાર્યક્રમના આરંભે ગુજરાતી ભવનના અધ્યક્ષ નિતિન વડગામાએ માતૃભાષા સપ્તાહના આયોજન સંદર્ભે વાત કરીને સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ. યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ માતા અને માતૃભૂમી ઉપરાંત માતૃભાષા અને માતૃસંસ્થાનું મહત્વ પણ સ્વિકારવું જોઈએ એમ કહીને માતૃભાષાનું મહિમાગાન કર્યું હતુ કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિ.ના કુલપતિ ડો. નિતિનભાઈ પેથાણીએ આપણી વ્યવહારની ભાષામાં અન્ય ભાષાના શબ્દો પ્રવેશતા હોવાનું જણાવીને કેવળ વિશ્ર્વમાતૃભાષાદિન નિમિતે જ નહી પરંતુ સતત આપણે માતૃભાષાનું મહત્વ સમજવું અને સ્વિકારવું જોઈએ એમ કહીને એ બાબતે સૌને વિચાર વિમર્શ કરવાનું સુચન કર્યું હતુ. આજના કાર્યક્રમનું સંચાલન ડો. દિપક પટેલે કર્યું હતુ.
કાર્યક્રમમાં સિન્ડીકેટ સભ્ય અને શિક્ષણ ભવનના અધ્યક્ષ ડો. ભરત રામાનુજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય ભવનના પ્રાધ્યાપકઓ, વિદ્યાર્થીઓ તથા સર્વ સંજુ વાળા, ભાસ્કર ભટ્ટ, દિપક ત્રિવેદી, આર.પી. જોશી વગેરે જેવા નગરનાં સાહિત્યકારો અને સાહિત્ય રસિકોએ માતૃભાષાનો આ કાર્યક્રમ મનભરીને માણ્યો હતો.