ઘરોમાં મસમોટી તિરાડો પડવી અને જમીનમાંથી પાણી આવવા સહિતની સમસ્યાઓ : એક મંદિર થયું ધરાશાયી
ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. પાણી લીકેજ અને માટીનું ધોવાણ લોકો માટે આફત બની ગયું છે. દરમિયાન શુક્રવારે ભૂસ્ખલનને કારણે ભગવતી મંદિર ધરાશાયી થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સિંહધર વોર્ડમાં આ પહેલો કેસ છે. કારણ, અત્યાર સુધી માત્ર દિવાલોમાં તિરાડો જ આવતી હતી, પરંતુ હવે મંદિર ધરાશાયી થતાં લોકોમાં ગભરાટનો માહોલ છે. સાથે જ દિવસે દિવસે ઘરોમાં તિરાડો વધી રહી છે.જેને પગલે લોકોની હિજરત પણ શરૂ થઇ ગઈ છે.
અત્યાર સુધીમાં 603 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. અનેક મકાનો ધરાશાયી થવાના આરે છે. જેના કારણે શુક્રવારે પણ વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારમાંથી વધુ 6 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે બાદ અત્યાર સુધીમાં 44 પરિવારોને અહીંથી શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓના મકાનો સાવ જર્જરીત હાલતમાં બની ગયા છે. દિવાલોમાં મોટી તિરાડો દેખાઈ છે અને ફ્લોર સુધી ધસી ગઈ છે.
સ્થિતિને જોતા મુખ્યમંત્રી પુષ્કર ધામીએ શુક્રવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સીએમએ કહ્યું કે સલામત સ્થળે તાત્કાલિક એક મોટું કામચલાઉ પુનર્વસન કેન્દ્ર બનાવવું જોઈએ. જોશીમઠમાં સેક્ટર અને ઝોનલ મુજબનું આયોજન કરવું જોઈએ. ડેન્જર ઝોન તાત્કાલિક ખાલી કરાવવો જોઈએ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સક્રિય કરવો જોઈએ. જે બાદ અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે.
ધરાશાયી થયેલી દિવાલોના કારણે લોકો ભયમાં જીવવા મજબૂર છે. જે લોકો પોતાના ઘરમાં રહે છે તેઓ આખી રાત સૂઈ શકતા નથી. જેમના મકાનોમાં તિરાડો પડી ગઈ છે અથવા જમીનનો અમુક ભાગ ડૂબી ગયો છે, તેઓ ઘર છોડીને ભાગી ગયા છે. પ્રશાસનની ટીમ પણ સતત લોકોને આવા ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. સૌથી વધુ કહેર મારવાડી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અહીં ઘણી જગ્યાએ જમીનની અંદરથી ગંદા પાણીનો સતત લિકેજ વધી રહ્યો છે. હાઈડ્રોપાવર પ્રોજેક્ટ કોલોનીની દીવાલો ફાડીને પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જેપી કંપનીની કોલોનીમાં આવા અનેક મકાનો છે જ્યાં તિરાડો પડી ગઈ છે. અહીં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
હાઈડ્રો પાવર પ્રોજેક્ટના કારણે આ સમસ્યા ઉભી થઇ હોવાનો સ્થાનિકોનો આરોપ
જોશીમઠમાં અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી પરેશાન લોકોએ હવે વિરોધ શરૂ કર્યો છે. આ પહેલા ગુરુવારે રાત્રે લોકોએ જોશીમઠમાં મસાલાની શોભાયાત્રા કાઢીને સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિક લોકોનો આરોપ છે કે એનટીપીસીના હાઈડ્રો પાવર પ્રોજેક્ટના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. સ્થાનિક લોકોએ બદ્રીનાથ-ઋષિકેશ નેશનલ હાઈવે પર રોડ બ્લોક કરીને વિરોધ કર્યો હતો. આ વિરોધમાં ટેક્સી યુનિયન અને વ્યાપર સભાનું પણ સમર્થન મળ્યું હતું.
સ્થળાંતર થયેલા લોકોને સરકાર 6 મહિનાનું ભાડું ચૂકવશે
સીએમની બેઠક બાદ જિલ્લા પ્રશાસને જોશીમઠ વિસ્તારના અસરગ્રસ્તો માટે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની સૂચના પર વહીવટીતંત્રે અસરગ્રસ્ત પરિવારોને 6 મહિનાનું ભાડું ચૂકવવાની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે લોકોના ઘર જોખમમાં છે અથવા રહેવા યોગ્ય નથી, તેઓને આગામી 6 મહિના સુધી ભાડાના મકાનમાં રહેવા માટે સહાય તરીકે પરિવાર દીઠ રૂ. 4000 આપવામાં આવશે. આ સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવશે.