પ્રથમ ટ્રાયલમાં 6 સિટર પ્લેનનો ઉપયોગ કરાશે : બોઇંગ ૭૪૭ ઉતરી શકે તે પ્રકારની ક્ષમતાનો 3 કિલોમીટરથી વધુનો રનવે તૈયાર, તેની ઉપર કેટ લાઈટ પણ સજ્જ
અબતક, રાજકોટ : હીરાસર એરપોર્ટ ઉપર આગામી દસેક દિવસમાં લેન્ડિંગ અને ટેકઓફનું ટ્રાયલ કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ ટ્રાયલમાં 6 સિટર પ્લેનનો ઉપયોગ કરાશે. ત્યારબાદ ક્રમશઃ ભારે પ્લેનના ટ્રાયલ કરાશે.
રાજકોટની ભાગોળે આકાર પામી રહેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ 90 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. જેમાં બોક્સ કલવર્ટ સહિત રન-વે, એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ છે. જ્યારે બાઉન્ડ્રી વોલની ૯૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની ૯૫ ટકા પૂર્ણ થઇ છે.
આજરોજ જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુ દ્વારા જણાવાયું હતું કે રન વે ઉપર કેટ લાઈટ લાગી ગઈ છે. જેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. હવે આગામી દશેક દિવસમાં લેન્ડિંગ અને ટેકઓફનું ટ્રાયલ કરવામાં આવશે. જેમાં પ્રથમ સિક્સ સિટર પ્લેન મારફત ટ્રાયલ કરાશે.
અધિકારી પાધેના જણાવ્યા મુજબ એરપોર્ટ ખાતે હાલ ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં બોક્સ કલવર્ટ સહિતનો ૩૦૪૦x૪૫ મીટરનો રનવે, કે જેની ક્ષમતા બોઇંગ ૭૪૭ ઉતરી શકે તે પ્રકારનો છે આ સાથે એપ્રન, પાર્કિંગ ટેક્સી ટ્રેક, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતનીની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ ચૂકી હોવાનું તેમજ બાઉન્ડ્રી વોલની કામગીરી ૯૦ ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની ૯૫ ટકા અને ઇન્ટ્રિમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી આ માસના અંતે પૂર્ણ થઈ જશે. મેઈન ટર્મિનલ બિલ્ડીંગ તૈયાર થાય તે પૂર્વે મોબાઈલ ટાવર ટર્મિનલ આવી પહોંચ્યો છે. એપ્રોચ રોડ પર કલાત્મક પ્રવેશ દ્વારા તેમજ રોડ વચ્ચે ડિવાઇડરમાં કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે઼
એરપોર્ટની નિર્માણની કામગીરી ૨૪x૭ અવિરત ચાલી રહી છે, સમગ્ર પ્રોજેક્ટની ૯૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીએ આપી હતી.
સૂત્રોએ જણાવ્યું કે આ મહિનાના અંતમાં જ ટ્રાયલ લેન્ડિંગના ભાગરૂપે દિલ્હીથી કેલિબ્રેશન ફલાઈટ આવશે અને વિમાનોનાં ઊડ્ડયન- ઉતરાણ માટે હીરાસર એરપોર્ટ પર લગાવવામાં આવેલાં ગ્લાઈડ પાથ, લોકલાઈઝર, ડીવ્યૂઅર સહિતનાં ઈક્વિપમેન્ટ્સ બરાબર કામ કરે છે કે કેમ તે ચેક કરીને જો કોઈ અડચણ હશે તો તજજ્ઞો દ્વારા કરેક્શન કરાવાશે. એ ટ્રાયલ લેન્ડિંગ પાર પડ્યે ફેબ્રુઆરીમાં ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન સમક્ષ એપ્રૂવલ માટે એપ્લાય કરાશે અને તે પછીના લગભગ બે મહિનામાં એટલે કે માર્ચ અંત સુધીમાં ડીજીસીએનું લાયસન્સ મળી જાય તો એપ્રિલ- ૨૦૨૩થી એરપોર્ટ કાર્યરત થઈ શકશે.
એ દરમિયાન, હાલ ચાલતું ટેમ્પરરી ટર્મિનલનું કામ ૧૫મી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ જવાની ગણતરી છે. જો કે, પરમેનન્ટ ટર્મિનલ તો ડિસેમ્બર- ૨૦૨૩માં તૈયાર થશે, અને હાઈ- વે પર રાજકોટ તરફથી આવતા વાહનો સીધા એરપોર્ટ સુધી પહોંચે એ માટેનો ઓવર બ્રિજ તો રાજ્ય સ૨કા૨નું નેશનલ હાઈ વે ડિવિઝન છેક દોઢ- બે વર્ષે તૈયાર કરી શકશે તેમ મનાય છે.