રાજકોટના તત્કાલીન પ્રાંતની ઝડપી કામગીરીથી ઉપરી અધિકારીએ પ્રભાવિત થઈને અનેક મહત્વની કામગીરી સોંપી પણ પ્રાંત તો કૌભાંડકાર નીકળ્યા, અગાઉ પણ અનેક કૌભાંડમાં તેમનું નામ ખુલ્યું ’તું

રાજકોટના એક તત્કાલીન પ્રાંતનું વધુ એક ચોટીલા પંથકનું જમીન કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ હાલ ખુલ્લું પડી ગયું છે પણ સતાવાર રીતે હજુ બહાર આવ્યું ન હોય બહાર આવ્યે પ્રાંત સહિત અનેકના તપેલા માથે ચડી જશે તે નક્કી છે.

રાજકોટ જિલ્લામાં અગાઉ અનેક જમીન કૌભાંડો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ચોટીલા પંથકના જમીન કૌભાંડોએ ચકચાર મચાવી છે. અધૂરામાં પૂરું ચોટીલા પંથકમાં જ હજુ વધુ એક મસમોટું કરોડોની કિંમતની જમીનનું કૌભાંડ સામે આવ્યું છે. જો કે હજુ સુધી આ કૌભાંડ સતાવાર રીતે જાહેર થયું નથી. પરંતુ આ કૌભાંડ થોડા જ દિવસોમાં ખુલ્લું પડવાનું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ કૌભાંડથી સમગ્ર વહીવટી તંત્રમાં હડકંપ મચી જવાનો છે તે નક્કી છે.

વધુમાં મળતી વિગત મુજબ આ જમીન કૌભાંડમાં જેટલાએ વહેતી ગંગામાં ડૂબકી મારી છે તેટલાના તપેલા માથે ચડી જવાના છે. ઉલ્લેખનીય છે કે આ જમીન કૌભાંડમાં મુખ્ય ભૂમિકા રાજકોટના તત્કાલીન પ્રાંતની છે. તેઓનું અગાઉ પણ અનેક વખત જમીન કૌભાંડમાં નામ ખુલી ચૂક્યું છે. તેઓ દ્વારા અહીં ઝડપી કામગીરી કરવામાં આવતી હોય ઉપરી અધિકારીઓએ તેઓ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો.

પરંતુ જેવું તેઓએ રાજકોટ છોડ્યું તુરંત જ તેઓના કૌભાંડો એક પછી એક ખુલવા લાગ્યા હતા. જો કે હજુ સુધી તેઓ કૌભાંડમા ફસાવાથી બચતા આવ્યા છે. પણ હાલનું જે  જમીન કૌભાંડ ખુલવાનું છે તેમાંથી તેઓનું બચવું અશક્ય જેવું હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રાંતની સાથોસાથ જે અધિકારીઓ અને કર્મચારીઓની મેલીમુરાદ રહી છે તેઓના પણ તપેલા માથે ચડશે તે નક્કી હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.