પાણીનો કોઈ સોસ; ન હોય પાણીના બોર પણ ખાલી થઈ જતા ૪૦ સોસાયટીનાં ૧૬ હજાર લોકોને હાલાકી : પ્રશ્નનો નિકાલ કરવા ૮ દિવસનું અલ્ટીમેટમ આપીને કલેકટરને આવેદન
માધાપર ગામમાં પાણીનો કોઈ સોર્સ ન હોય ઉપરાંત પાણીનાં બોર પણ ખાલી થઈ જતા ૪૦ સોસાયટીનાં ૧૬ હજાર લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આ પ્રશ્ને ગામનાં ૩૦૦ જેટલા લોકોએ જિલ્લા કલેકટર કચેરીએ મોરચો માંડીને આવેદન પાઠવ્યું હતુ. સાથે જો ૮ દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો માધાપર ચોકડી પાસેનો હાઈવે ચકકાજામ કરવાની ચીમકી આપી હતી.
માધાપર ગામમાં તંત્ર દ્વારા પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આજ સુધી ગ્રામજનો પાણીના બોર પર નભતા હતા. હવે આ બોર પણ ખાલી થઈ જતા લોકોની હાલત પાણીના અભાવે કફોડી બની છે. માધાપરમાં જૈનમ સ્કવેર, નંદનવન, શ્રીનાથજી, શેઠનગર, બેકબોન, કૃષ્ણનગર, થરાસર પાર્ક, રાધા-૧, રાધા-૨, સત્યમ શિવમ, સમન્વય, અયોધ્યા સહિતની કુલ ૪૦ જેટલી સોસાયટીઓ આવેલી છે.
આ સોસાયટીમાં ૧૬ હજાર જેટલા લોકો વસવાટ કરે છે. હાલ પાણીનો કોઈ સોર્સ ન હોય લોકોને પાણી પ્રશ્ને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આ પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ સાથે આજે ગામનાં ૩૦૦ લોકોનાં ટોળાએ જીલ્લા કલેકટર કચેરી ખાતે મોરચો માંડયો હતો. આ તકે ગ્રામ પંચાયતના સભ્ય વિમલ ખંડવીએ જણાવ્યું હતુ કે માધાપર ગામના લોકો પાણી ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે. જો તંત્ર દ્વારા દિવસ ૮માં આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહી આવે તો માધાપર ચોકડી પાસેનો હાઈવે ગ્રામજનો દ્વારા ચકકાજામ કરવામાં આવશે.