જમીન કૌભાંડ જગજાહેર છતાં તંત્રના આંખ આડા કાન: તંત્રની રહેમરાહે અત્યાર સુધીમાં ઘણા મકાનો અને દુકાનો બનીને વેંચાઇ પણ ગયા અને તેના ખરીદદારો ન ઘરના ન ઘાટના બની ગયા
રાજકોટમાં દિન-પ્રતિદિન ભૂમાફિયાઓ બેફામ બની રહ્યાં હોય તે બાબતને નકારી શકાય નહીં. દરરોજ જમીન કબજાના નવા નવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ભૂમાફિયાઓ ખાનગી જમીનો પોતાની બાનમાં લઈ બારોબાર વેંચાણ કરી દેવાના દાખલાઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. તેમાં પણ ખાસ રાજકોટના કોઠારીયા વિસ્તાર ખાતે આ પ્રકારના કિસ્સાઓ જાણે સામાન્ય ઘટના સમાન બની ગયા હોય તેવી રીતે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. હાલ સુધી તો ખાનગી જમીનો વેંચી મારવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હતી. પરંતુ હવે ભૂમાફિયાઓ ખુલ્લેઆમ સરકારી ખરાબો પણ વહેંચી મારતા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે.
કોઠારીયાના સર્વે નં.૮૮ અને ૮૯ પાસે સરકારી ખરાબાની જમીન આવેલી છે. વોર્ડ નં.૧૮ કોઠારીયા રીંગ રોડ ચોકડી પાસે આવેલ સર્વે નં.૮૮માં વર્ષ ૨૦૦૬માં ૮૪ પ્લોટનું પ્લોટીંગ પાડી શિવમ પાર્ક સોસાયટીના નામે વેંચાણ કરવામાં આવ્યું હતું. જે પ્લોટ નં.૧ અને ૩૧ની બાજુના ખુણા પર આવેલા હરિદર્શન કોમ્પલેક્ષની બાજુમાં સરકારી ખરાબાની જમીન આવેલ છે.
રાજકોટના કોઠારીયા રોડ સર્વે નં.૮૮ અને ૮૯ની જગ્યાની એકદમ બાજુમાં જ ગેરકાયદેસર રીતે સ્થાનિક ભૂમાફિયાઓ દ્વારા બાંધકામ કરી કબજો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. અગાઉ કોઠારીયા વિસ્તાર ખાતે જ થોકબંધ ખરાબાની જગ્યા વેંચી મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે બાદ વધુ એક સરકારી ખરાબો કબજે કરવાની ઘટના સામે આવી છે. કોઠારીયા રોડના ભૂમાફિયા ચંદુ બોદરે આ જમીન સહિત સરકારી ખરાબાની જમીનમાં કબજો જમાવી કિશોર ડાભી, રાહુલ પટેલ અને જગદીશ આહિરને વેંચી મારવાની ઘટના સામે આવી છે. જે બાદ જમીન માફિયા કિશોર ડાભી, રાહુલ પટેલે સરકારી અધિકારીઓ સાથે મળી હરિદર્શન કોમ્પલેક્ષની બાજુમાં સરકારી ખરાબાની જમીન પર હરિદર્શન રેસ્ટોરન્ટ અને ગેલેકસી પાનના નામે હોટલો અને દુકાનો બનાવી લીધેલ છે. જ્યારે જગદીશ આહીર નામની વ્યક્તિએ ડિલકસ પાન, પ્રણામ હેરઆર્ટ, દાસારામ ફરસાણ, વૃંદાવન પાન પાર્લર જ્યારે સર્વે નં.૮૯માં ભૂમાફિયા કિશોર ડાભી દ્વારા ઉભુ કરવામાં આવેલ હરિદર્શન મેગા મોલની બાજુમાં પણ સરકારી ખરાબાની પડતર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બાંધકામ કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે.
મામલામાં સ્થાનિકો દ્વારા વર્ષ ૨૦૧૮થી માંડી વર્ષ ૨૦૨૦ સુધીમાં અનેકવિધ અરજીઓ રેવન્યુ વિભાગ તેમજ જિલ્લા કલેકટરને સંબોધીને મુકવામાં આવી છે તેમ છતાં હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી નહીં થતાં ભૂમાફિયાઓ વધુ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ પ્રકરણમાં કોઈ રાજકીય કદાવર નેતા પણ સંડોવાયેલા હોય જેના પરિણામે ભૂમાફિયાઓ ખુલ્લેઆમ સરકારી ખરાબાઓ પર કબજો જમાવી બાંધકામ સહિત વેંચાણની પ્રવૃતિઓ કરી રહ્યાં છે.
તા.૧૦-૧-૨૦૦૬ના રોજ બિનખેતી કરાવનાર ભૂમાફિયા ચંદુ બોદરે સરકારી ખરાબાની જમીનને પોતાની દર્શાવી અને માલીકીની જમીનને સરકારી દર્શાવી બિનખેતી કરવા મુકી હતી. તા.૨૭-૧-૨૦૦૬માં અધિકારીઓનું ધ્યાન ગેરમાર્ગે દોરી ૩૫૨ સરકારી ખરાબાની જગ્યા પાછળ બતાવીને પોતાના હિત માટે થઈને સર્વે નં.૮૮ પૈકી ૧,૨,૩ પૈકીની જમીન તેમજ સર્વે નં.૮૯ની જમીન કોઠારીયા મેઈન રોડ પર દર્શાવી પ્લોટીંગ પાડી ગેરકાયદેસર વેંચાણ કર્યા હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે.
તમામ બાબત તંત્રના ધ્યાને હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં તંત્ર શા માટે મુકબધીર બનીને બેઠુ છે તે હાલ એક મોટો પ્રશ્ર્ન છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે ભૂમાફિયાઓ બેફામ બની સરકારી ખરાબાની જમીનો પણ ખુલ્લેઆમ વેંચી સામાન્ય જનતાને બેવકુફ બનાવી મોટું કૌભાંડ આચરી રહ્યાં છે.