વઢવાણના દેદાદરા ગામે અમદાવાદીની વડીલોપાર્જીત જમીનમાં બે ભાઇઓએ કબ્જો કરી લીધો

 

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

જમીન કૌભાંડકારોની કમરતોડી નાખવા માટે રાજય સરકાર દ્વારા લેન્ડ ગ્રોવીંગના કાયદાને વધુ મજબુત બનાવ્યો છે અને જમીન કૌભાંડ અંગેની કલેકટર દ્વારા અરજીની સમીક્ષા કર્યા બાદ પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૩ દિવસમાં ચાર જમીન કૌભાંડ અંગેના ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ અમરાઇવાડી, બળીયાનગરમાં રહેતા અને લાલજી વાઘેલાએ વઢવાણ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વઢવાણ તાલુકાના દેદાદરા ગામે રહેતા વિપુલ ગોવિંદ વાઘેલા અને કૌશિક ગોવિંદ વાઘેલાના નામ આપ્યા છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીની વડલોપાર્જીત જમીન દેદાદરા ગામે સર્વે નં. ૧૬૪૯ માં ચાર એકર જમીન આવેલ હોય જે પૈકી બે એકર જમીનમાં આરોપીઓએ ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડેલ હોય પોલીસે ગુનો નોંધી આરોપીઓની

ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી ઘટના

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે જેસાભાઇ ઉર્ફે પ્રદીપ ઓંડભાઇ મકવાણાની નવા સર્વે નં. ૫૦ પૈકીની જમીનમાં આરોપી હરેશ શિવા ગાંગડીયા, જનક શીવા ગાંગડીયા, અવલબેન શીવા ગાંગડીયાએ પચાવી પાડી હોવાની મુળી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

ત્રીજી ઘટના

સુરેન્દ્રનગર વઢવાણ ધોળીપોળમાં રહેતા હરેશ મોહન આવડીયાની માલીકીનું મકાન પર વઢવાણ જયોતિનગરમાં રહેતા નરેન્દ્રસિંહ હેમુભા જાડેજાએ ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ચોથી ઘટના

સુરેન્દ્રનગર બ્રહ્મ સોસાયટીમાં રહેતા પ્રદીપ વિનોદરાય દવેની સંયુકત માલીકીની આઠ ઓરડી પર જુદા જુદા સમયે આરોપી ઇમ્તીયાઝખાન મહેતાબખાન પઠાણ, યુસુફખાન મહેનાબખાન પઠાણ અને પરવેઝખાન મહેતાબખાન પઠાણે ગેરકાયદેસર કબ્જો કરી ઓરડીઓ તોડી પાડી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.