સરકારી જમીન હડપ કરનારા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

જામકલ્યાણપુરના રાવલ ગામે પાલિકાની માલિકીની જમીન ઉપર ગેરકાયદે કબજો મેળવી દબાણ આચરતા સ્થાનિક સામે લેન્ડ ગ્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર મહેશભાઈ જેઠાભાઈ પરમારે રાવલ ગામના રહીશ હદુભાઈ ઉર્ફે સવદાસભાઇ લાખાભાઈ ગામી નામના શખ્સ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના રાવલના રહીશ હદુ ઉર્ફે સવદાસ ગામી દ્વારા રાવલ નગરપાલિકા હસ્તકની સરવે નંબર 1760 મુજબની સરકારી જમીન પર છેલ્લા આશરે વીસેક વર્ષથી નાનું- મોટું ગેરકાયદે બાંધકામ કરી, આશરે સાડા સાત હજાર ફૂટ જમીન ઉપર દબાણ કર્યું છે. સરકારી જંત્રી મુજબ રૂપિયા 7,26,000/-ની કિંમતની તથા જાણવા મળતી વિગત મુજબ આશરે રૂપિયા અડધા કરોડ જેટલી બજાર કિંમત ધરાવતી ઉપરોક્ત જમીન ઉપર કબજો કરી, આ શખ્સ દ્વારા સરકારી જમીન પચાવી પાડવાની પેરવી કરવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ પ્રકરણમાં આરોપી હદુભાઈ ઉર્ફે સવદાસભાઇ સાથે અન્ય કોઈ પણ સંડોવાયેલો હોય તો તેની સામે પણ ધોરણસર કાર્યવાહી થવા વધુમાં જણાવાયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ મુજબ ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ અંગેનો આ ચોથો ગુનો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.