સરકારી ખરાબામાં ભુમાફીયાઓએ શેડ બનાવીને ભાડે આપી દીધા હોવાનું ધ્યાને આવતા કલેકટર તંત્ર દ્વારા તોળાતી કાર્યવાહી: અંદાજે ૧૦ કરોડની સરકારી જમીન ભુમાફીયાઓએ પચાવીને તેના સહારે કરોડોની કાળી કમાણી કરી લીધી: તંત્ર તબક્કાવાર કાર્યવાહીના મૂડમાં, એક પછી એક ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવશે
કોઠારિયામાં કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર ભુમાફિયાઓએ કબજો જમાવ્યો છે. આ ભુમાફિયાઓ સરકારી ખરાબા ઉપર શેડ બનાવીને મોટી કમાણી કરતા હોવાનું ધ્યાને આવતા કલેકટર તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. ટૂંક સમયમાં આ સરકારી ખરાબા ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવે તેવી સુત્રોમાંથી માહિતી મળી રહી છે.
કોઠારીયા વિસ્તારમાં સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં દબાણો ખડકાયેલા છે. તેમાં સર્વે નંબર ૩૫૨ના સરકારી ખરાબો ૧૪૦૦ એકર જેટલો વિશાળ વિસ્તાર ધરાવે છે. આ ખરાબામાં ઠેક- ઠેકાણે દબાણ ખડકાઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. અહીં ભુમાફિયાઓએ કરોડોની જમીન પચાવી પાડી છે. ઘણા ભુમાફિયાઓએ શેડ બનાવીને તેને મહિને રૂ. ૧૦થી ૨૦ હજારના ભળાપટ્ટા ઉપર પણ આપી દીધા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
જો કે આ સમગ્ર હકીકત કલેકટર તંત્રના ધ્યાને આવી હોય ટૂંક સમયમાં જ મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. અંદાજે ૪ હજાર વાર જેટલી જમીન ઉપર શેડ સહિતના દબાણો ખડકી દેવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જેની સામે ટૂંક સમયમાં તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોમાં કોઠારીયા વિસ્તારમાં અનેક સરકારી ખરાબા ગાયબ થઈ ગયા છે. ટીપીમાં કોમન પ્લોટ પણ ગાયબ થઈ ગયા છે.
ત્યારે તંત્ર પણ તબક્કાવાર કાર્યવાહી કરવાના મૂડમાં છે. ટૂંક સમયમાં ૪ હજાર ચો.મી.ના દબાણ ઉપર ડીમોલેશનની કાર્યવાહી કર્યા બાદ બીજા દબાણો સામે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરીને ભુમાફીયાઓને પાઠ ભણાવવામાં આવનાર છે.
સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલ પ્રાથમિક અહેવાલ મુજબ સર્વે નંબર ૩૫૨ના સરકારી ખરાબામાં અંદાજે રૂ. ૧૦ કરોડની સરકારી જમીન ભુમાફીયાઓએ પચાવી પાડી છે. અને આ સરકારી જમીનનો ઉપયોગ કરીને ભુમાફિયાઓએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની કાળી કમાણી પણ કરી લીધી છે.હવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને તેઓને સબક શીખડાવવામાં આવશે. જો કે આ કાર્યવાહીની ગંધ આવી જતા ભુમાફીયાઓ ચિંતામાં ગરક થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.