‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ’ને અમલમાં લાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનતા રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ
રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તેમજ સૌરાષ્ટ્રનાં અગ્રગણ્ય ખેડૂત આગેવાન ચેતન રામાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ તેમની નેતૃત્વ વાળી સરકારે લીધેલા ગુજારાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના નિર્ણયને આવકાર અભિનંદન સહ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, રાજયના મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. અને સાથો સાથ જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે ત્યારે જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃતિ હાથ ધરી રાજય સરકારની માલિીકીની કે સ્થાનિક સતા મંડળની માલીકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલીકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા છે જે વ્યક્તિગત કિસ્સાઓમાં પણ આપણી સૌ પ્રજાજનો સમક્ષ અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે જેથી આવી પ્રવૃતિને ગેરકાયદેસર જાહેર કરેલ છે.
ત્યારે, રાજયમાં આ એકટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, ધાર્મિક સખાવતી સંસ્થા, સરકારી, સ્થાનિક સ્વરાજયની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજજાથી ઉતરતા દરજજાના ન હોય તેવા પોલીસ અઘ્કિારી દ્વારા જ થશે તદુપરાંત રાજય સરકાર વિશેષ અદાલતોની જરૂરિયાત મુજબ રચના કરશે અને આવી વિશેષ અદાલત કેસ દાખલ થયાના છ મહિનામાં આવા કેસનો નિકાલ કરશે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ર્ચિત કરવામાં આવશે.
રામાણીએ અંતમાં જણાવતા કહ્યું હતું કે, આવા અદભૂત સુશાસન વાળી સરકારના નિર્ણયથી આવા પ્રશ્ર્નથી પીડાતા લાખો પરિવારના હૃદયમાં આનંદની અનુભૂતિ સાથે ખુશીઓના ફુવારા છુટયા છે તે બદલ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની સંસ્થાઓ તેમજ વ્યક્તિગત લોકો વતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન પાઠવ્યા છે.