ભુમાફિયાએ દરિયામાં પણ ૫૦ ફૂટ લાંબી દીવાલો બનાવી નાખી’તી ; સાગર ખેડૂત ફિશરમેન એસોસિએશને અરજી કરતા વહીવટી તંત્રએ સફાળું જાગી કાર્યવાહી કરી

દ્રારકા જિલ્લાના ઓખા પંથકમાં પણ લેન્ડ ગ્રેબિંગનો વધુ એક ગુનો દર્જ થયો છે.જેમાં દ્રારકા તાલુકાના ઓખા દરીયા કિનારા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરી જેટીના બાંધકામ મામલે નવા કાયદા હેઠળ સાગર માછીમારી મંડળીના પ્રમુખ ઈસા ઇસક સંઘ સામે પોલીસે લેન્ડ ગ્રેબિગ઼નો ગુનો નોંધ્યો છે. બનાવ અંગે ઓખા મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર રાજુભાઇ કિશનભાઈ વસાવાએ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં શ્રી સાગર માછીમાર મંડળી લી ઓખાના પ્રમુખ ઈસા ઇશાક સંઘ સામે દરિયાકાંઠાની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી જેટી ખડકી દીધા અંગેની ફરિયાદ નોંધાવી છે.નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.

ઓખાના દરીયા કિનારાની સરકારી જમીન પર કબજો કરી જમીન પચાવી પાડવા મામલે પોલીસે સાગર માછીમારી મંડળીના પ્રમુખ સહિત તપાસમાં જે ખુલે તે તમામ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ઓખાના દરીયાકાંઠે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો અને બાંધકામ થયાની મામલતદાર કચેતી ખાતે અરજી થઇ હતી જે સંદર્ભે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની સુચના અને માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવતા ઓખા પોર્ટના પુર્વ ભાગમાં દરિયા કિનારે રેવન્યુ સર્વે નંબર ૨૨માં ૫૦ ફૂટ લાંબી બે દીવાલ ખડકી દીધાનું ખુલ્યુ હતુ. આ બાંધકામ કોનાં દ્વારા કરવામાં આવ્યું? તેની તંત્ર દ્રારા તપાસ હાથ ધરવામાં આવતા આ બાંધકામ સાગર માછીમારી સરકારી મંડળીનું હોવાનું સામે આવતા સાગર માછીમારી સરકારી મંડળીના પ્રમુખ ઈસા ઇસાક સંઘાર વિરુદ્ધ સરકારી જમીન પચાવી પાડવાના નવા કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરીને પોલીસે દરિયાકાંઠાની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી ગેરકાયદેસર રીતે જેટીનું બાંધકામ કરવા સબબ લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો વધુ એક ગુનો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.