રાજ્યમાં કુલ 133 ફરિયાદ દાખલ કરીને 317 લુખ્ખાઓને જેલ હવાલે કરી દેવાયાં

સમગ્ર રાજ્યભરમાં જમીન કૌભાંડ તેમજ જમીનમાં કબજા સહિતના બનાવો અવાર નવાર પ્રકાશમાં આવતા હોય છે. ભૂ માફિયાઓ અને લુખ્ખાઓ દ્વારા સામાન્ય નાગરિકની જમીનો પચાવી પાડવાના કારસ્તાન પણ પ્રકાશમાં આવતાં હોય છે. રાજ્યમાં દિન પ્રતિદિન ભૂ માફિયાઓ અને લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેડિંગ એકટ – 2020 અમલી બનાવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં બિનઅધિકૃત રીતે અન્ય કોઈ વ્યક્તિની જમીનમાં કબજા કરનાર આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરી દરમિયાન  ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મુકાયા બાદ રાજ્યમાં આશરે 1384 વિઘા જમીન લુખ્ખાઓ પાસેથી મેળવીને તેમના મૂળ માલિકોને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

મહાનગરોથી માંડીને નાના ગામડાઓમાં પણ લુખ્ખા તત્વો અને ભૂ માફિયાઓ દ્વારા કાયદાની આંટીઘૂંટી તેમજ છટકબારીનો ઉપયોગ કરીને સામાન્ય પ્રજાની જમીન હડપ કરવાનું કારસ્તાન રચવામાં આવતું હોય છે. તેવા સંજોગોમાં અગાઉની પદ્ધતિ મુજબ સેઢા તેમજ ચપટી ધૂળ સહિતની જુનવાણી પદ્ધતિઓ અપનાવીને નાના તેમજ મધ્યમ વર્ગીય લોકોની જમીન પચાવી પાડવાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા રહ્યા છે. તેવા સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી કરીને સંપૂર્ણ સતા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. તેમજ કાર્યવાહી માટેનો સમય ગાળો પણ ટૂંકો રાખવામાં આવ્યો છે. જેથી નાના અને મધ્યમ વર્ગીય લોકો તેમની જમીનો ટૂંક સમયમાં લુખ્ખા તત્વોના હાથમાંથી પરત મેળવી શકે છે. ટૂંકા સમયગાળામાં  લોકો લુખ્ખા તત્વો પાસેથી તેમની જમીન પરત મેળવી શકે તે પ્રકારની જોગવાઇ પણ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ માં કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભૂ માફિયાઓની શાન ઠેકાણે લાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. જેના પરિણામે પ્રજાના આશીર્વાદ અમારી ઉપર ઉતરોતર વરસી રહ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર તથા ખેડુતોની જમીન પચાવી પાડનારાઓને નાબુદ કરવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ સામેનો કાયદો લાવવામાં આવ્યો છે. જેનાથી લોકો ખૂબ જ આનંદિત છે. વિધાનસભામાં જૂનાગઢ ખાતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળના કેસો ચલાવવા માટેની ખાસ કોર્ટની રચનાને લગતા પ્રશ્નના જવાબમાં વિગતો રજૂ કરાઈ હતી. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો હેઠળ 57 અરજી મળી છે. સમગ્ર રાજ્યમાં કમિટીની ભલામણને આધારે 133 એફઆઈઆર નોંધાઈ છે. જેમાં 114 ચાર્જશીટ દાખલ કરીને 317 જેટલા ભૂ માફિયાઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ખૂબ જ નોંધનીય બાબત છે કે, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હાલ સુધીમાં લેન્ડ સ્કેપિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરીને રાજ્યભરમાં 1384 વીઘા જેટલી જમીન મૂળ માલિકોને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. આવા ભૂમાફિયાઓ રાજ્યમાં અન્ય કોઈ કૃત્ય ન કરે તે માટે રાજ્યની સ્ટેટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જરૂરી ટ્રેક રેકોર્ડ રાખવામાં આવે છે જેના પરિણામે આવા તત્વોને વધુમાં વધુ જેલમાં રાખી શકાય છે.

ભૂ માફિયાઓની દાદાગીરી હવે ભૂતકાળ બની જશે: પ્રદીપસિંહ જાડેજા

PRADIPSINH

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં હવે લુખ્ખા તત્વો અને ભૂમાફિયાઓ ની દાદાગીરી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. નાના માણસોને દબાવીને તેમની જમીન પચાવી પાડવાના કારસ્તાન પણ હવે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. જેના માટે જ લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી કરવામાં આવી છે. જેના આધારે હાલ સુધીમાં 1384 વીઘા જમીન લુખ્ખાઓ પાસેથી પરત મેળવીને તેમના મૂળ માલિકોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. પ્રજા પણ આ નિર્ણયથી ખૂબ જ આનંદિત છે અને આ એકટ હેઠળ નાના અને મધ્યમ વર્ગના લોકોને તેમની જમીન પરત મેળવવામાં ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.