રાજકોટ, લોધીકા, ધોરાજી, ગોંડલ, કોટડા સાંગાણી, પડધરી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકામાં આજથી સર્વેની કામગિરી શરૂ, 27મી સુધીમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક 

અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લામાં પુરથી જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. જેનો સર્વે આજથી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. આ માટે 156 ટિમો તંત્ર દ્વારા મેદાનમાં ઉતારવામાં આવી છે. આ સર્વે રાજકોટ, લોધીકા, ધોરાજી, ગોંડલ, કોટડા સાંગાણી, પડધરી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકામાં હાથ ધરાયો છે. જે 27મી સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં ગત તા.12 અને 13ના રોજ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ખેતીલાયક જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું હતું. આ અંગેનો સર્વે આજથી રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના આદેશથી શરૂ થયો છે. રાજકોટ જિલ્લાના ફુલ 156 ગામમાં આ માટે ટીમને ઉતારી દેવામાં આવી છે અને આગામી તા. 27 સુધીમાં સર્વેની કામગીરી પૂરી કરીને રિપોર્ટ રજૂ કરવા જણાવાયુ છે.

જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત સહીથી ગત સાંજે આ અંગેના હુકમો કરવામાં આવ્યા છે અને સર્વેની કામગીરી માટે તમામ ગામમાં નોડલ ઓફિસર,વિસ્તરણ અધિકારી, મદદનીશ ઇજનેર, અધિક મદદનીશ ઇજનેર, રેવન્યુ તલાટી, ગ્રામસેવક અને પંચાયત તલાટીની ટીમ મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. લોધીકા તાલુકામાં 38 રાજકોટ તાલુકામાં આઠ ધોરાજી તાલુકામાં ૫ ગોંડલ તાલુકામાં 37 કોટડા સાંગાણી તાલુકામાં ૮ પડધરી તાલુકામા 29 જામકંડોરણા તાલુકામાં ૨૨ અને ઉપલેટા તાલુકામાં ૩૪ ગામોમાં આજથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે.અસરગ્રસ્ત ગામ અને વિસ્તારની સ્થળ ખરાઇ કરી સર્વેની કામગીરી તા.27 સુધીમાં પૂરી કરવા અને એ અંગેનો રિપોર્ટ જે તે અધિકારીને સોંપી દેવા પણ સુચના આપવામાં આવી છે.

સર્વેની કામગીરીમાં ટીડીઓને લાયઝન ઓફિસર તરીકે જવાબદારી સોપાઈ

અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી નિયત નમુનામા અરજી ફોર્મ,૭/૧૨ અને ૮-અ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ મેળવી લેવા જણાવાયું છે. પાકના નુકસાનવાળા ખેતર અને જમીન સાથેનો અરજદારનો ફોટો પાડી અરજી સાથે જોડવાનો રહેશે. અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવવાની થતી સહાયની વિગતો નિયત નમુનામા તૈયાર કરી અભિપ્રાય સાથે તાલુકા વિકાસ અધિકારીને તા. 27 સુધીમાં મોકલી આપવાના રહેશે આ કામમાં તાલુકા વિકાસ અધિકારીઓને લાયઝન ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે રોજેરોજનો રૂટ નક્કી કરી ટીમને જરૂરી સુચના આપી સુપરવિઝનની અમલવારી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.