- રેલવેના રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ માટે સંપાદનની કામગીરીની સમીક્ષા કરતા મુખ્ય સચિવ
- ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંકની આગવી સુઝબૂઝથી વિનાવિઘ્ને પુરજોશમાં ચાલતી સંપાદન કાર્યવાહી, એકાદ વર્ષે થતી એવોર્ડની પ્રક્રિયા વહેલાસર આટોપી લેવા તંત્રના પ્રયાસો
- જિલ્લા કલેકટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ દ્વારા મુખ્ય સચિવને સમગ્ર અહેવાલ રજૂ કરાયો, મુખ્ય સચિવે કલેકટર તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો
રેલવેના રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ માટે સંપાદનની કામગીરીની મુખ્ય સચિવ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં 13 ગામોની જમીનના સંપાદનનું 2 મહિનામાં જ વળતર ચૂકવી દેવા કવાયત હાથ ધરવામાં આવી હોય તે સહિતની વિગતો રજુ કરવામાં આવી હતી. આ કામગીરી પ્રત્યે મુખ્ય સચિવે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આવી જ ઝડપભેર કામગીરીને આગળ ધપાવતા રહેવાનું સૂચન આપ્યું હતું.
ભારત સરકાર દ્વારા રાજકોટ- કાનાલુસ રેલ્વે સિંગલ લાઈનને ડબલ લાઈન કરવાનો ખાસ પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે. 111 કિલોમીટરના આ રેલવે ડબલીંગ પ્રોજેક્ટમાં રાજકોટ અને જામનગર જિલ્લાના જુદા જુદા ગામોના સમાવેશ થાય છે. આ રેલવે ડબલ લાઈનથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોની સ્પીડ વધી જવાથી પેસેન્જરનો પ્રવાસનો સમય બે થી ત્રણ કલાક સુધીનો ઓછો થશે તેમ જ લાઈન પર આવતી જતી માલગાડીઓ પણ ખૂબ જ ઓછા સમયમાં માલની હેરફેર કરી શકશે.
આ પ્રોજેક્ટ અન્વયે રાજકોટ તાલુકાના માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, પડધરી તાલુકાના જોધપર, મોવૈયા, રામપર, મોટા ચણોલ, મોટા હડમતીયા, ખંઢેરી, તરઘડી, નારણકા, વણપરી તથા પડધરી મળી કુલ 13 ગામોના 183 સર્વે નંબરોની ખાનગી 21.50 હેક્ટર જમીન તેમજ 77 સર્વે નંબરોની 23.14 હેક્ટર સરકારી જમીન મળી કુલ 260 સર્વે નંબરોની 44.65 હેક્ટર જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
આ સંપાદન કાર્યવાહી ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંકની આગવી સુઝબૂઝથી વિનાવિઘ્ને પુરજોશમાં ચાલી રહી છે. સામાન્ય રીતે એકાદ વર્ષે થતી એવોર્ડની પ્રક્રિયા અહીં 2 જ મહિનામાં આટોપી લેવાની પ્રાંત અધિકારીએ કવાયત શરૂ કરી છે.
રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ માટે સંપાદનની કામગીરીની આજે મુખ્ય સચિવે સમીક્ષા હાથ ધરી હતી. જેમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશી સહિતના અધિકારીઓ દ્વારા મુખ્ય સચિવને સમગ્ર અહેવાલ રજૂ કરાયો હતો. મુખ્ય સચિવે કલેકટર તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જમીન સંપાદન માટે આખરી જાહેરનામા પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. હવે આગામી દિવસોમાં ગ્રામ્ય પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ત્યારબાદ બે મહિના જેટલા સમયમાં ખાનગી જમીનના માલિકોને એવોર્ડ આપવાની કામગીરી કરવામાં આવનાર છે.
21 હેકટર જેટલી ખાનગી જમીનનું સંપાદન
રેલવે ડબલિંગ પ્રોજેક્ટમાં 13 ગામોના 183 સર્વે નંબરોની ખાનગી 21.50 હેક્ટર જમીન તેમજ 77 સર્વે નંબરોની 23.14 હેક્ટર સરકારી જમીન મળી કુલ 260 સર્વે નંબરોની 44.65 હેક્ટર જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. 21 હેકટર જેટલી જે ખાનગી જમીન છે તેના માલિકોને આગામી સમયમાં વળતર આપવામાં આવશે.