આગામી ઓક્ટોબર – નવેમ્બર માસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ શેવાઈ રહી છે તેવા સમયમાં બિહારના રાજકારણને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પત્ની ઐશ્વર્યા રાય વિધાનસભાની ચૂંટણીમાં જેડી(યુ)ની ટીકીટ પર તેના પતિ તેજ પ્રતાપ યાદવની વિરુદ્ધમાં લડશે તેવી માહિતી મળી રહી છે.
બિહારના રાજકારણમાં લાલુ પ્રસાદ યાદવની આગેવાનીવાળી રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) મુખ્ય વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે ત્યારે લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને તેની પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદમાં બંનેએ છૂટાછેડા માટે અરજી કરી છે. તેવા સમયમાં ઐશ્વર્યા રાયના પિતા કે જેમણે હાલમાં જ આરજેડી સાથે છેડો ફાડી મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાનીવાળી જેડી(યુ)નો ખેસ ધારણ કર્યો છે. ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાયે સંકેત આપ્યો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઐશ્વર્યા તેના પતિ વિરુદ્ધ લડશે.
હાલ તેજ પ્રતાપ યાદવ અને તેની પત્નીના છૂટાછેડાની અરજી ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે ચંદ્રિકા રાયે સંકેત આપતા કહ્યું છે કે ઐશ્વર્યા તેની મરજીથી કોઈ પણ પક્ષ અને કોઈ પણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે જેમાં હું હસ્તક્ષેપ કરીશ નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું ઐશ્વર્યાને રાજકારણના તમામ પગલાઓમાં મદદરૂપ થઈશ પછી એ પગલું તેજ પ્રતાપ યાદવની સામે ચૂંટણી લડવાનું પગલું હશે તો તેમાં પણ હું ઐશ્વર્યાને સહકાર આપીશ.
ચંદ્રિકા રાયના આ નિવેદનથી બિહારના રાજકારણે નવું સ્વરૂપ ધારણ કર્યું છે તેમજ ઐશ્વર્યા તેના પતિ સામે જ ચૂંટણી લડે તો પણ નવાઈ નહિ.