હોસ્પિટલ અને લગ્ન પ્રસંગના કામના ઉપયોગ માટે સેલ્ફ ડ્રાઇવીંગ કરવા કાર ભાડે મેળવી આરસી બુક ડુપ્લીકેટ બનાવી વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાસ
બે કાર અને આઠ એપલ મોબાઇલ મળી રૂા.૨૪.૧૫ લાખનો મુદામાલ કબ્જે
ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી હોસ્પિટલ અને લગ્ન પ્રસંગ માટે કાર ભાડે મેળવી પોતે સેલ્ફ ડ્રાઈવીંગ કરવાનું કહી છેતરપિંડી કરતી મહારાષ્ટ્રની ઠગ ગેંગના બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંને શખ્સોને ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વિસાવદર તાલુકાના ચાપરડા ગામના વતની અને લાંબા સમયથી મુંબઇ સ્થાયી થયેલા વિપુલ ધીરૂ માંગરોલીયા અને સુરતના દિવ્યેશ મધુ પટોડીયા નામના શખ્સો આંતર રાજ્ય ઠગ હોવાનું અને અનેક ટ્રાવેલ્સ સંચાલકો સાથે કારની છેતરપિંડી કર્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે બંને શખ્સોને માલીયાસણ નજીકથી ધરપકડ કરી તેની પાસેથી ઇનોવા અને અર્ટિકા કબ્જે કર્યા છે.
વિપુલ માંગરોલીયા અને દિવ્યેશ પટોડીયા ગુગલ પર સર્ચ કરી ટુર એન્ડ ટ્રાવેર્લ્સના ધંધાર્થીઓના મોબાઇલ નંબર મેળવી તેમનો સંપર્ક કરી પોતાને ત્યાં લગ્ન પ્રસંગ અથવા હોસ્પિટલનું કામ હોવાનું બહાનું બતાવી કારનું એડવાન્સ ભાડુ ચુકવી સેલ્ફ ડ્રાઇવ કરવા કાર ભાડે કર્યા બાદ બંને શખ્સો કારની ડુપ્લીકેટ આરસી બુક મેળવી ઓએલએકસના માધ્યમથી વેચી નાખવાનું કૌભાંડ ચલાવ્યાની કબુલાત આપી છે.
બંને શખ્સોએ રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલા નિલકંઠ ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દર્શન અશોકભાઇ પાલા અને કાલાવડ રોડ પર આવેલા હેપ્પી રાઇડીંગ ટ્રાવેલ્સમાંથી કાર ભાડે મેળવી વેચી નાખ્યાની કબુલાત આપી છે.
ઇનોવા કાર ભાડે મેળવી ટ્રાવેલ્સ સંચાલક સાથે ઠગાઇ કરવા માટે પોતે અમદાવાદ ખાતે દાંતનો ડોકટર હોવાનું અને પોતાની માતાને કોરોના હોવાથી તેણીને અમદાવાદ હોસ્પિટલથી ઉપલેટા લઇ જવાનું બહાનું કરી ચાર દિવસ માટે ઇનોવા ભાડે કરી હતી. તેમજ પોતાના ખોટા આઇડી પ્રુફ આપતા ટ્રાવેલ્સ સંચાલકને વિશ્ર્વાસમાં લઇ છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. કારમાં જીપીએસ સિસ્ટમ હોય તો ૨૦૦ થી ૩૦૦ કીલોમીટર દુર પહોચી જીપીએસ સિસ્ટમ ફેઇલ કરી નાખતા હોવાથી ટ્રાવેલ્સ સંચાલકો ઠગ ગેંગનું પગેરૂ પણ મેળવી ન શકતા હોવાની બંને ભેજાબાજ શખ્સોએ કબુલાત આપી ઓએલએસ વેચી નાખતા હોય છે. છેતરપિંડીથી મેળવેલી કારનો દારૂની હેરાફેરી કરવામાં અને અંતરિયાળ વિસ્તારમાં કારનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. થોરાળા પી.આઇ. જી.એમ.હડીયા સહિતના સ્ટાફે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંને શખ્સોને ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.