પ્રેમિકાના જન્મદિવસે લગ્ન કરવા બાબતે થયેલી બોલાચાલીમાં ઢીમઢાળી દીધાની કબુલાત
લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે દોઢેક માસ અગાઉ યુવતીની હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. ચેલા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં આરોપીએ પ્રથમ યુવતીના જન્મદિવસની ઉજવણી માટે રાફૂદળ ગામે બોલાવી હતી. બાદમા કોઈ કારણસર બને વચ્ચે માથાકૂટ થતા આરોપીએ બોથડ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં એલસીબીએ તપાસ હાથ ધરી આરોપીને આસામથી દબોચી લીધો છે. જેની પૂછપરછમાં આરોપી અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.
આ કેસની વિગત એવી છે કે ચેલા ગામે રહેતા મનસુખભાઇ રણછોડભાઇ કણજારીયાની પુત્રી અર્ચનાબેન કણજારીયા અને ભાવેશ રણછોડભાઇ સોનગરા પ્રેમ સંબંધમાં હતા. આ દરમિયાન ગત તા. 5-4-2023ના રોજ આરોપી ભાવેશે અર્ચનાબેની હત્યા કરી હતી.
આ દરમિયાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, યશપાલસિંહ જાડેજાને બાતમી મળી કે હત્યામાં સંડોવાયેલ આરોપી આસામ રાજયના ગુહાહાટી શહેરમા છે. જેને લઈને પોલીસ સફાટ તાત્કાલિક ત્યાં દોડી જઇ આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા ને દબોચી લીધો હતો.પોલીસે આરોપીની પૂછપરછ
આરોપી ભાવેશ સોનગરાને અર્ચનાબેન સાથે પ્રેમ સબંધ હતો.આ દરમિયાન અર્ચનાબેનનો જન્મદિવસ હોવાથી તે કેક કાપવા માટે નાનીરાફુદળ ગામે સાથે લઈ ગયો હતો. ત્યાં બને વચ્ચે લગ્ન કરવા બાબતે બોલાચાલી, થઈ હતી.જેમાં આરોપી આવેશમા આવી,અર્ચનાબેન કણજારીયાને ગળાના ભાગે ,તિક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ધા કરી અર્ચનાબેનનું કાસળ કાઢી નાખ્યાની કબુલાત આપી છે.
હત્યાને અંજામ આપી ભાવેશ સોનગરા પ્રથમ ખંભાળિયાંના પીરલાખાસર ગામે ગયો હતો. જ્યા સંતાયા બાદ પોલીસ અડી જશે તેવી જાણ થતા બાળમાં જામખંભાળીયા, દ્રારકા,પોરબંદર, અમદાવાદ,મુંબઇ, ગોવા, પુના, મુંબઇ, દિલ્હી અને ગૌહાટી (આસામ) સહિતના સ્થળોએ સંતાતો ફરતો હતો, દરમ્યાન એલ.સી.બી. દ્રારા,ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોસનો ઉપયોગ કરી,આસામ ના ગૌહાટી શહેરમાથી પકડી પાડ્યો હતો.
આ કામગીરીમાં પીઆઇ જે.વી.ચૌધરી, પીએસઆઇ આર.કે.કરમટા, એસ.પી.ગોહિલ તથા પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્ટાફ ના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા,ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, હીરેનભાઇ વરણવા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.
રાજકોટમાં પણ યુવતિની હત્યા કરી ‘તી
ભાવેશ અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જેમાં વર્ષ 2013માં રાજકોટની એક યુવતીને મોતને ઘાટ ઉતારી દીધાની તેની પર હત્યાનો ગુનો નોંધાયો હતો. તે બાદ વર્ષ 2019 માં જામનગરના ગોકુલનગરમાં એક યુવતીના મકાનમાં આરોપીએ આગ લગાડી અને તોડફોડ કરી હતી. આ ઉપરાંત 2020 માં કલ્યાણપુરમાં ફેંક આઇડી બનાવી યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા તો 2023 માં નાની રાફુદળમાં યુવતીની હત્યા કર્યા સહિતના ગુના નોંધાયા છે.