ત્રણ સગીરને રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાયા
લાલપુર વિસ્તારમાં જજના મકાન અને દુકાનો સહિતમાં થયેલી ચોરીઓનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. આંતર જીલ્લા ચોરી કરતી ગેંગના ત્રણ સગીર સહિત પાંચને મુદામાલ સાથે પકડી લીધા હતા. જેમાં સગીર આરોપીઓને રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા હતા અને બે આરોપીને રીમાન્ડ પર લેવામાં આવ્યા છે.
લાલપુર વિસ્તારમાં ચોરીઓ કરતી ગેંગના શખ્સો ગજણાથી લાલપુર તરફ આવી રહ્યા છે એવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કમલ થાનસીંગ ભુરીયા (ઉ.વ.૨૨) અને ભુરા સુરસીંગ અલાવા (ઉ.વ.૨૧) રે.બંને હાલ ગજણા મુળ એમપી ધારના પીપરાની ગામના વતનીને પકડી લીધા હતા.
પુછપરછ કરતા પોતે અને તેની સાથેના ત્રણ કાયદાથી સંઘર્ષિત કિશોરે સાથે મળીને લાલપુરમાં અલગ-અલગ પાંચ જગ્યાએ અને મોરબીમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. તેમની પાસેથી ચોરીમાં ગયેલ રોકડા ૩૪,૭૨૦, દાગીના, કટલેરી, મોબાઈલ, કેમેરો કબજે કર્યો હતો. લાલપુર પોલીસે આ કામગીરી કરી હતી. દરમ્યાન ત્રણ સગીરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યા છે અને કમલ તથા ભુરાને એક દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યા છે.